October 13, 2024

ચેઇન સ્નેચિંગ-વાહનચોરી કરતા યુવકની ધરપકડ, આઠ મોબાઇલ જપ્ત

અમિત રુપાપરા, સુરતઃ ચેઇન સ્નેચિંગ અને વાહનચોરીના ગુનાહિત ભૂતકાળ ધરાવતા કોસાડ આવાસના 21 વર્ષીય યુવકે 30મી ઓગસ્ટે બપોરે પંડોળ વિસ્તારમાંથી બપોરે એક બાઈક ચોરી કર્યાના બે કલાકમાં આઠ કિમી વિસ્તારમાં આઠ વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરી આતંક સજ્ર્યો હતો. ભોગ બનેલા લોકો પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી આવતા કતારગામ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે સ્નેચરને દબોચી લીધો હતો. આરોપી પાસેથી 83 હજારની કિંમતના આઠ મોબાઈલ ફોન તથા બાઈક પણ કબજે કરી હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત 30મી ઓગષ્ટે બપોરે બે વાગ્યાથી એક બાઈક પર સવાર ગઠિયાએ રાહદારીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. ચોકબજાર પારસ સોસાયટી પાસેથી વસ્તાદેવડી રોડ, કતારગામ, સુમુલ ડેરી રોડથી મહિધરપુરા વિસ્તારના ત્રણ પોલીસ મથકના આઠ કિમી વિસ્તારમાં રૂટ ઉપર જે વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી દેખાય તેનો ફોન આંચકી લેવાયો હતો.

બે જ કલાકના સમયગાળામાં આઠ વ્યક્તિઓના મોબાઈલ ફોન આંચકી લેવાની ઘટનાને પગલે ભોગ બનેલા લોકો આ ત્રણેય પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયા હતા. લોકોની કાગારોળ વચ્ચે પોલીસે સીસીટીવી ચેક કરતા કતારગામ પોલીસ આ શખ્સને ઓળખી ગઈ હતી. ઉતરાણમાં બે ગુનામાં થોડાક સમય પહેલાં જ પકડાયેલો અને કોસાડ આવાસમાં રહેતો સુમિત ઉર્ફે ગોલુ મદનમોહન સહાનીને પોલીસે ઉંચકી લીધો હતો.

સુમિતની પાસેથી પોલીસે ચોરીના 83 હજારની કિંમતનાં આઠ મોબાઈલ ફોન ઝડપી લીધા હતા. જે બાઈક તેની પાસેથી મળી હતી તે પણ તેણે એક કલાક પહેલાં જ ચોકબજારના પંડોળ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.