September 20, 2024

સુરતમાં MD ડ્રગ્સ વેચતા ભાજપના કાર્યકર સહિત ત્રણની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અનેક આરોપી કે જે ડ્રગ્સનું વેચાણ કરતા હતા તેને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે સુરત પોલીસે ભાજપના કાર્યકર્તા સહિત ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. આ ત્રણેય પાસેથી 354 ગ્રામ ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેની કિંમત 35,49,000 રૂપિયા થવા પામે છે. પકડાયેલા આરોપીમાં રાજસ્થાનનો ચેતન સાહુ, સુરત ભાજપનો કાર્યકર્તા વિકાસ આહિર અને અનિશખાન પઠાણનો સમાવેશ થાય છે. આરોપી અનીશ અને વિકાસ સામે અગાઉ પણ પોલીસના ચોપડે ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં વિકાસ સામે ગોડાદરા, સલાબતપુરા, ઉમરા, લિંબાયત, ઉધના અને અમરોલી પોલીસ સ્ટેશનમાં કુલ છ ગુનાઓ દાખલ થયા છે. તો અનિશખાન સામે ખટોદરા, સચિન અને અલથાણ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર ઈસમની બાતમીના આધારે સુરત SOG દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. SOGને બાતમી મળી હતી કે, રાજસ્થાનમાંથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર એક ઈસમ ઉધના દરવાજા પાસે આવેલી હોટલ ધ ગ્રાન્ડ વિલા ઇનના રૂમ નંબર 704માં રોકાયો છે. આ બાતમીના આધારે દરોડો કરી ચેતન શાહુ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. ચેતન શાહ મૂળ રાજસ્થાનના ઉદયપુરના બડગામનો રહેવાસી છે અને તેની પાસેથી પોલીસને 354 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે. આ ઉપરાંત તેની પાસેથી બે મોબાઈલ, એક કાર તેમજ 11,350 રોકડા મળી કુલ 44,75,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સાણંદમાં ટુ વ્હિલર ચોરી ગેરકાયદેસર વેચતા પાંચની ધરપકડ, 22 વાહન જપ્ત

રાજસ્થાનના ચેતન સાહુની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે સુરતમાં અનિશખાન લાકડાવાલા અને વિકાસ આહીરને આપવાનો હતો. ત્યારબાદ આ બંને આરોપીને પણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. રાજસ્થાનના ચેતનની પૂછપરછમાં વધુ ખુલાસા થયા હતા કે, અગાઉ મહારાષ્ટ્ર તરફથી ડ્રગ્સનો જથ્થો સુરત શહેર ખાતે ઘુસાડવામાં આવી રહ્યો હતો અને સુરત શહેર પોલીસ દ્વારા આ ડ્રગ સપ્લાયર તેમજ પેડલરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર તરફથી આવતી ડ્રગની સપ્લાયની ચેઇન તોડવામાં આવી હતી. તેથી ડ્રગ્સ માફિયાઓએ આ નવો રસ્તો અપનાવ્યો છે અને રાજસ્થાન રૂટ થઈ તેવો ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે.

પોલીસે આ બાબતે તપાસ કરતા એવું પણ સામે આવ્યું હતું કે, આરોપી વિકાસ આહિર સલાબતપુરા વિસ્તારમાં ભવાની આઈસ્ક્રીમ નામની લારી ચલાવે છે અને આઈસ્ક્રીમ પાર્લરમાં જ તે આ પ્રકારે ડ્રગનું વેચાણ કરવાનું કામ કરતો હતો. આરોપી વિકાસ ભાજપનો કાર્યકર્તા છે અને ભાજપના અનેક મોટા નેતા સાથેના તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો પણ અપલોડ કર્યા છે. આ ઉપરાંત આરોપી વિકાસ LLBના સેકન્ડ યરમાં વીંટી ચોકસી કોલેજમાં અભ્યાસ કરે છે. તો અગાઉ વિકાસે અમરોલી વિસ્તારમાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસી લૂંટ કરી હતી અને તે સમયે અમરોલી પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ થતા તેની પાસે રહેલા હથિયારનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ દ્વારકામાં વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતો ચિંતામાં 

વિકાસ આહિર રાજસ્થાનના ઉદયપુરમાં એક હોટલ ધરાવતો હોવાની માહિતી પણ પોલીસને મળી છે. સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા એક મહિનાથી આ ઈસમોને પકડવા માટે તેમના પર વોચ રાખવામાં આવતી હતી અને બાતમીના આધારે રાજસ્થાનથી જે ડ્રગ્સ સપ્લાયની ચેઇન હતી તેને તોડવા માટે પોલીસ કામ કરી રહી હતી. અંતે પોલીસને રાજસ્થાનથી ડ્રગ સુરત લાવનાર ચેતન શાહુંને પકડવામાં સફળતા મળી.

આ આરોપીઓની એમોની વાત કરવામાં આવે તો તમામ આરોપી રાજસ્થાન ખાતે સ્નેપચેટ તેમજ Instagramના માધ્યમથી ડ્રગ્સનો ઓર્ડર આપતા હતા અને ત્યારબાદ રાજસ્થાનથી આ ડ્રગ્સ સુરત આવતું હતું અને સુરત શહેરમાં આઈસ્ક્રીમની લારી તેમજ પાર્લરમાં ઉપરાંત આ પાર્લરની આસપાસના વિસ્તારમાં ટુ-વ્હીલર તેમજ ફોરવીલર ગાડીમાં ગ્રાહકોને આ ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હતું.

આરોપી વિકાસ આહિર ભાજપનો કાર્યકર્તા છે તેની સામે અગાઉ સુરતના છ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આરોપી અનીશ ખાન સામે પણ અગાઉ ખટોદરા, સચિન અને અલથાણ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

આરોપી અનીશ ખાનની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, અગાઉ વર્ષ 2017માં તેને એક તાલીબ નામના ઈસમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી તેની લાશને ડુમસની ગટરમાં નાખી દીધી હતી. આ મામલે તેની સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ ખૂનનો ગુનો દાખલ થયો હતો. ઉપરાંત અગાઉ તે અલથાણ પોલીસ સ્ટેશનના એનડીપીએસના કેસમાં પકડાઈ ચૂક્યો છે અને બે મહિના પહેલા જ તે જામીનમુક્ત થયો હતો અને હાલ તે ડ્રગ્સ પેડલર તરીકેનું કામ કરી રહ્યો છે.