ગેમ રમવા સુરત બોલાવી બે વ્યક્તિનું અપહરણ કરી લાખોની લૂંટ, પોલીસે 4ની ધરપકડ કરી
અમિત રુપાપરા, સુરતઃ શહેરના ચાર ઈસમોએ ભેગા મળીને નોઈડાના ગેમિંગ એક્સપર્ટ બે યુવકોને ગેમ રમવા માટે સુરતમાં બોલાવ્યા હતા. ત્યારબાદ બંનેનું અપહરણ કરી તેના પિતા પાસેથી અઢી-અઢી લાખ રૂપિયા પડાવી લીધા હતા. પૈસા પડાવ્યા બાદ બંને યુવકોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસને માહિતી મળતા પુણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને યુવકોનું અપહરણ કરનારા 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ જે યુવકનું અપહરણ થયું હતું, તે મુક્ત થયા બાદ દિલ્હી ગયા હતા અને હાલ આ બંનેનો મોબાઇલ બંધ આવી રહ્યો છે. મહત્વની વાત છે કે, યુવકના માસિયાઈ ભાઈ દ્વારા પોલીસને કંટ્રોલ રૂમમાં મેસેજ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે લોકેશન ટ્રેસ કરીને તેને શોધવાના પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ આરોપી સુધી પોલીસ પહોંચી હતી અને હાલ ત્રણ લાખ રૂપિયા પોલીસે રિકવર કર્યા છે.
નોઈડામાં રહેતા બે યુવકો સચિન તોમર અને લોકેશ ગેમિંગ એક્સપર્ટ હોવાના કારણે તેઓ ગેમ રમવા માટે સુરતમાં આવ્યા હતા. જો કે, આ બંનેનો સંપર્ક સુરતમાં રહેતા યુવકો સાથે સોશિયલ મીડિયામાં થયો હતો અને ત્યારબાદ બંને વધુ પૈસા જીતવાની લાલચમાં ગેમ રમવા માટે સુરત આવ્યા હતા. જ્યાં આ બંને યુવકોનું અપહરણ ગોડાદરાની ચામુંડા રેસિડેન્સીમાં રહેતા અને ગોલ્ડ લોનના એજન્ટ કમલેશ કલસરિયા, ઉમેશ કાતરીયા, યોગારામ ઉર્ફે યોગેશ જીંજાળા અને લાલા ઉર્ફે વાલા કર્યું હતું. નરોડાથી આવેલા સચિન અને લોકેશને સુરતના પુણા વિસ્તારમાં એક જગ્યા પર બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને યુવકોના પિતાને ફોન કરીને અઢી અઢી લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ગુજરાત-રાજસ્થાનમાંથી ઝડપાઈ ડ્રગ્સની 3 ફેક્ટરી, 10 આરોપીની ધરપકડ
પૈસા મળ્યા બાદ આ ચારેય ઈસમો દ્વારા સચિન અને લોકેશને છોડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બંને યુવકો દિલ્હી પહોંચ્યા અને ત્યાં મોબાઈલ બંધ કરી દીધો હતો. તો બીજી તરફ પુણા પોલીસ દ્વારા આ ચારે ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, બંને યુવકો ઓનલાઇન ગેમમાં ખેલી તરીકે જાણીતા હતા અને તેઓ ત્રણ દિવસ પહેલા ગેમ રમવા માટે અને સારા પૈસા જીતવા માટે સુરત આવ્યા હતા. જો કે, ગેમ રમવા માટે બે લાખ રૂપિયા ભરવાના હતા. પરંતુ આ બંને બે લાખ રૂપિયા ભર્યા ન હતા અને તેના જ કારણે તેને બંધક બનાવીને તેમના પિતાઓ પાસેથી અઢી-અઢી લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. હાલ તો આ સમગ્ર મામલે પુણા પોલીસ દ્વારા ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
એવી પણ માહિતી સામે આવી રહી છે કે, લોકેશના માસિયાઈ ભાઈ દ્વારા આ બાબતે પોલીસ કંટ્રોલ રૂમને માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ પુણા પોલીસ દ્વારા લોકેશનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. આ લોકેશનના આધારે જ પોલીસ આરોપી સુધી પહોંચી હતી અને પોલીસે ચાર આરોપીઓ પાસેથી ત્રણ લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.