December 4, 2024

પારસી પરિવાર સાચવે છે 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે આપેલી પાઘ-શ્રીફળ

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા અપાયેલી પાઘડી ભાઈબીજના દિવસે લોકો માટે દર્શનાર્થે મૂકવામાં આવતી હોય છે. 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પાઘડી અને શ્રીફળ આપ્યું હતું. આજે 199 વર્ષે પણ પારસી પરિવારે આ પાઘ અને શ્રીફળ સાચવી રાખ્યાં છે. ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે.

આ પાઘડી 200 વર્ષ જૂની છે. જેની પાછળ પણ એક ધાર્મિક આસ્થા છુપાયેલી છે. આ પાઘડી કોઈ સામાન્ય વ્યક્તિની નહીં પણ સ્વામિનારાયણ ભગવાને ધારણ કરી હતી. 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા. ત્યારે તે સમયના કોટવાળ તરીકે કાર્ય કરતા અરદેશરને ભેટ આપી હતી. ત્યારથી આ પાઘડીને સુરતમાં આજ દિન સુધી સેવા કરી સાચવામાં આવી છે.

પાઘની ધાર્મિક વાયકા એવી છે કે, સંવત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યાં હતાં અને સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અરદેશર કોટવાળની સેવાથી ખુશ થયેલા ભગવાને સંવત 1881ના માગશર સુદ ત્રીજે પરત જતા અગાઉ કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘ આપી હતી. જો કે, સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પૂર્વે અરદેશર કોટવાળને પાઘ આપી હતી. તે તેમના દીકરા જહાંગીરશાહ પાસે ગઈ હતી, પરંતુ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેમના પત્ની ડોશીબાઈ કોટવાળ પાસેથી પાઘ તેમના મોસાળ સોરાબજી એડલજી વાડિયા પાસે ગઈ હતી. ત્યારથી હાલની હયાત ત્રીજી પેઢી તહેમસ્પ અને તેમના દીકરા કેરશાસ્પ તેમના જીવની જેમ જતન કરી રહ્યા છે.

મૂળ આ પરિવાર પારસી સમાજનો છે, છતાં તેઓ વર્ષોથી પોતાના ધર્મ સાથે સ્વામિનારાયણ ધર્મને અપનાવતો રહ્યો છે. ત્યારે સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે. જેમાં લાકડાની પેટીમાં પાઘને નુકસાન ન પહોંચે તે રીતે સાચવી રાખી છે. દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘના દર્શન કરાવે છે. આ સાથે પોતે પણ રોજ સવારે પાઘની પૂજા કરે છે. પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે અને શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે.