March 15, 2025

ઓલપાડમાં પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી, કારણ જાણી ચોંકી જશો

કિરણસિંહ ગોહિલ, સુરતઃ ઓલપાડ તાલુકામાં નજીવી બાબતે પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયાર મારીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. જો કે, ઓલપાડ પોલીસે ગણતરીના કલાકમાં આરોપી હત્યારા પતિને ઝડપી પાડી જેલભેગો કરી દીધો હતો. જો કે, પોલીસ તપાસમાં આરોપી પતિએ જે કબૂલાત કરી એ સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી.

આમ તો કહેવાય છે કે, પતિ-પત્નીના સંબંધ રથના પૈડા જેવા હોય છે. કેમ કે, વિશ્વાસ પર સંબંધો ટકેલા હોય છે, પણ સુરતના ઓલપાડ તાલુકા મથકે બનેલી હત્યાની ઘટનામાં પતિ-પત્નીના વિશ્વાસભર્યા સંબંધમાં શંકા જતા પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી ઉગ્ર બની કે પતિને હત્યારો બનાવી દીધો હતો. કેમ કે, પતિએ ગુસ્સાની આગમાં નજીકમાં પડેલા તીક્ષ્ણ હથિયાર લઈ પત્નીના ગળે મારી દેતા ઘટનાસ્થળે પત્નીનું મોત થઈ જતા પતિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

આરોપી અશોક સંકટ અને તેની પત્ની હીરાબાઈ ઓલપાડ નજીક પડાવ નાંખી રહેતા હતા. અશોક પશુઓના વાળ ઉતારવાનો ધંધો કરતો અને પત્ની ભીખ માગી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ બે દિવસ પહેલા અશોક અને તેની પત્ની વચ્ચે પૈસાને લઈ બોલાચાલી થઈ હતી. કારણ કે, પત્ની આરોપીના પર્સમાંથી પૈસા કાઢી લેતી હતી. તેના કારણે ઝગડો થયો હતો અને ગુસ્સામાં નજીકમાં પડેલું ચપ્પું લઈ પત્નીના ગળા પર મારી દેતા પત્નીનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. પત્નીના મોતથી ગભરાયેલો પતિ ભાગી છૂટ્યો હતો. જો કે, પોલીસે આરોપી પતિને ઝડપી પાડી જેલભેગો કરી દીધો છે.