સુરતમાં હોસ્પિટલમાંથી બાળક ચોરનારી મહિલાની ધરપકડ, પતિએ ચોર કહેતા બાળક ચોર્યું હોવાનો ખુલાસો

અમિત રુપાપરા, સુરતઃ શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં બાળકની ચોરી થવા મામલે હવે નવો ખુલાસો સામે આવ્યો છે. બાળકની ચોરી કરનારી મહિલા પોલીસના હાથે ઝડપાયા બાદ પોલીસે બાળકને પરિવારને સોંપ્યું છે. બાળકની ચોરી કરનારી મહિલાનું નામ રાધા ઝા હોવાનું સામે આવ્યું છે. રાધાએ પાંચમા બાળકના જન્મ બાદ મોતના દુઃખમાં અને પતિએ ઘરકંકાશમાં તેને ચોર કહી હોવાના કારણે આ નવજાત બાળકની ચોરી કરી હોવાનું પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે.
સુરતના બમરોલી રોડ પર ગોવર્ધન નગરમાં ધીરજ શુક્લા પરિવાર સાથે રહે છે. ધીરજ શુક્લાની પત્ની સંધ્યાને શુક્રવારે સવારે પ્રસુતિનો દુખાવો ઉપડતા નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલની સ્ટેમ્પ સેલ બિલ્ડિંગમાં સંધ્યાની પ્રસુતિ થઈ અને બપોરના સમયે સંધ્યાએ બાળકને જન્મ આપ્યો હતો. સંધ્યાને પ્રસુતિ બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
સંધ્યાની પ્રસુતિ થયા બાદ એક મહિલા ત્રણ કલાક તેની સાથે રહી હતી અને ત્યારબાદ સાંજે 7 વાગ્યે સંધ્યાની નજર ચૂકવીને સંધ્યાના બાળકની ચોરી કરીને પલાયન થઈ ગઈ હતી. સંધ્યા અને તેના પરિવારના સભ્યોને આ બાબતે માહિતી મળતા તેને તાત્કાલિક હોસ્પિટલ સ્ટાફને માહિતી આપી હતી અને ત્યારબાદ હોસ્પિટલ દ્વારા સ્થાનિક પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી.
તો બીજી તરફ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા પોલીસના ધ્યાને આવ્યું હતું કે, મહિલાની નજર 3 કલાકથી આ બાળક પર હતી અને બાળકની માતાની નજર ચૂકવીને મહિલા સાવચેતીપૂર્વક બાળકને થેલામાં મૂકી હોસ્પિટલની બહાર લઈ ગઈ હતી. તો આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં લઇ તાત્કાલિક સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમજ ખટોદરા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. 4 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 60થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે.
ખટોદરા પોલીસે આખી રાત 150 કરતાં વધારે સીસીટીવી ફૂટેજ તપાસ કરી બાળકને ચોરી કરી લઈ જનારી મહિલાને પકડવામાં સફળતા મેળવી છે. ખટોદરા પોલીસે મહિલાની ધરપકડ કરી બાળકનો કબજો મેળવી બાળકને નવી સિવિલ હોસ્પિટલમાં પરિવાર પાસે લાવવામાં આવ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ બાળકનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાળકને પરિવારને સોંપવામાં આવ્યું હતું.
બાળકનું અપહરણ કરનાર મહિલાનું નામ રાધા ઝા છે અને તે સુરતના નવાગામ ડીંડોલીમાં આવેલી લક્ષ્મીનગરમાં પરિવાર સાથે રહે છે. રાધાને સંતાનમાં 3 દીકરી અને 1 દીકરો છે અને તાજેતરમાં જ પાંચમા દીકરાનું જન્મ બાદ મોત થયું હતું. તેથી રાધા દુઃખી હતી. આ ઉપરાંત રાધાને પતિ રાજુ સાથે ઝઘડાઓ થતા હતા અને આ ઝઘડા દરમિયાન પતિએ રાધાને ચોર કહી હતી અને પતિએ ચોર કહેતા રાધાને લાગી આવ્યું હતું. તેને પાંચમા દીકરાના જન્મ બાદ મોતના દુઃખમાં અને પતિએ ચોર કહ્યું હોવાના કારણે આ બાળકની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.