October 11, 2024

નેશનલ-સ્ટેટ હાઇવે પાણી ભરાવવાને કારણે બિસ્માર, વાહનચાલકો-રાહદારી પરેશાન

કિરણસિંહ ગોહિલ, સુરતઃ સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત થાય અને રોડ-રસ્તા બિસ્માર બનવાનું શરૂ થાય, પરંતુ સુરત જિલ્લામાં વરસાદના વિરામ બાદ પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. પાણી ભરાવવાના કારણે નેશનલ હાઇવે-48 અને સ્ટેટ હાઇવે-65 બિસ્માર બની ગયો છે.

માંગરોળ તાલુકાના પાલોદ ગામની હદમાંથી પસાર થતો નેશનલ હાઇવે 48નો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સર્વિસ રોડને અડીને હાઇવે ઓથોરિટી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવી હતી, પરંતુ આ ગટરોની સાફ-સફાઈ રાખવામાં હાઇવે તંત્ર દ્વારા વેઠ ઉતારતા ગટરનું ગંધાતુ દૂષિત પાણી નેશનલ હાઇવે 48ના સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા છે અને રસ્તો બિસ્માર બની ગયો છે. આ સાથે ટ્રાફિક થવાના કારણે પોલીસ પણ પરેશાન છે. હાઇવે ઓથોરિટી આંખ આડા કાન કરવાનું છોડીને ગટરોની સાફસફાઈ કરાવે અને બિસ્માર રસ્તા રીપેર કરાવે એવી વાહનચાલકો માગ કરી રહ્યા છે.

માંગરોળના પાલોદની હદમાંથી નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે 65 પસાર થાય છે. પરંતુ સમગ્ર રસ્તા પર પાણી ભરાવવાની સમસ્યા ઠેરની ઠેર છે. નેશનલ હાઇવે 48ના સર્વિસ રોડની બાજુની ગટરો ઉભરાઈ ગટરના પાણી નેશનલ હાઇવેની જેમ સ્ટેટ હાઇવે પર ફરી વળ્યાં છે. જેના કારણે હાઇવે બિસ્માર બની ગયો છે. સ્ટેટ હાઇવે તંત્ર પણ નેશનલ હાઇવેની જેમ આંખ આડા કાન કરવામાં નંબર વન છે. જેના કારણે કીમ ચાર રસ્તા નજીક સ્ટેટ હાઇવે બિસ્માર બની જતા વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. રાહદારી પણ પસાર ના થઈ શકે એટલું પાણી જાહેર રોડ પર આવી જાય છે. ખરાબ રસ્તાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

સ્થાનિક પાલોદ ગ્રામ પંચાયતના સરપંચ વારંવાર સ્ટેટ હાઇવે 65ને અડીને આવેલી ગટરો સાફ કરાવે છે. પરંતુ આ કામ માર્ગ અને મકાન વિભાગનું છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગ જિલ્લામાં સદંતર ખાળે ગયેલો વિભાગ છે. ત્યારે તંત્ર સત્વરે જાગે અને બિસ્માર રસ્તા બનાવે અને પાણીનો નિકાલ કરાવે એવી માગ ઉઠી છે.