કામરેજમાં પીકઅપચાલકે રિવર્સ લેતા 6 વર્ષનો બાળકો કચડાયો, ઘટનાસ્થળે કરૂણ મોત
કિરણસિંહ ગોહિલ, સુરતઃ જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામ નજીક જીઆઈડીસીમાં પીકઅપ કારની ટક્કરથી 6 વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. કામરેજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પીકઅપચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
6 વર્ષનો બાળક દૂધ લેવા માટે બહાર ગયો હતો. તે પોતાની મસ્તીમાં હતો. ત્યારે પીકઅપ અચાનક જ રિવર્સ આવ્યું અને સત્યમ પર ચડી ગયું. તેટલું જ નહીં, સત્મને ઢસળી ગયું હતું. ત્યારે લોકોએ બૂમાબૂમ કરતા પીકઅપચાલકે બ્રેક મારી હતી. પરંતુ ત્યાર સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને ગંભીર ઇજાને કારણે સત્યમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
સત્યમના પરિવારને આ ઘટનાની જાણ થતાં જ તે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સત્યમનો મૃતદેહ જોઈને પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ત્યારે ત્યાં હાજર ટોળાએ પીકઅપચાલકને મેથીપાક ચખાડ્યો હતો.તો બીજી તરફ, આ સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરતા કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. તેમણે પીકઅપચાલકને 108માં સારવાર માટે ખસેડ્યો હતો. તો તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.