October 14, 2024

સુરતની દિવ્યાંગ યુવતી પર પાડોશીએ બળાત્કાર ગુજાર્યો, 3 મહિનાનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો

અમિત રુપાપરા, સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા છાપરાભાઠાનાં શ્રમ વિસ્તારમાં રહેતી પિતા વગરની દિવ્યાંગ યુવતી પર પડોશમાં રહેતા એક સંતાનના પિતાએ બળાત્કાર કર્યો હતો. હાલ યુવતીને 3 મહિનાનો ગર્ભ છે. તબીબી તપાસ માટે યુવતીને લઈ જતા રેપનો મામલો સામે આવ્યો છે. ત્યારે દિવ્યાંગ યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમરોલીના છાપરાભાઠાનાં શ્રમ વિસ્તારમાં રહેતી પિતા વગરની દિવ્યાંગ યુવતી પર પડોશમાં રહેતા એક સંતાનના પિતાએ બળાત્કાર કર્યો છે. હાલ યુવતીને 3 મહિનાનો ગર્ભ છે. તબીબી તપાસ માટે યુવતીને લઈ જતા રેપનો મામલો સામે આવ્યો છે. આ બાબતે અમરોલી પોલીસે યુવતીના પરિવારની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે પડોશી પ્રદીપ પટેલની સામે રેપ અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપી પરિણીત છે અને એક સંતાનનો પિતા છે. પ્રદીપ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરે છે અને યુપીનો રહેવાસી છે.

આ યુવતીની ઉંમર 18 વર્ષ છે અને તે બોલી કે સાંભળી શકતી નથી. આરોપી યુવતીના ઘરની સામે રહેતો હતો. જેથી એકબીજાને ઓળખતા હતા. હવસખોર દિવ્યાંગ યુવતીના ઘરે જઈ તેની સાથે જબરજસ્તી કરી રેપ કર્યો હતો. છેલ્લા 3 મહિનાથી હવસખોરે યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી અવારનવાર રેપ કરતો હતો. વધુમાં યુવતીના પિતાનું અવસાન થયેલું છે અને તેની માતા વતનમાં રહે છે. યુવતી સુરતમાં કાકા-કાકી સાથે રહે છે.