ડાયમંડ બુર્સ કમિટીનું મોટું આયોજન, 400થી 500 ઓફિસ શરૂ થશે
અમિત રુપાપરા, સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 17 ડિસેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હજુ સુધી આ ડાયમંડ બુર્સ ધમધમતું થયું નથી. ત્યારે સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા ડાયમંડ બુર્સને શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ડાયમંડ બુર્સમાં ધર્મનંદન ડાયમંડ 1 જુલાઈથી અને ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદ ધોળકિયા 7 જુલાઈથી ઓફિસ શરૂ કરશે અને એક સાથે 400થી 500 ઓફિસ શરૂ થાય તેવું આયોજન ડાયમંડ બુર્સ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે.
વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ બિલ્ડિંગ એટલે સુરત ડાયમંડ બુર્સ સુરતમાં નિર્માણ પામી છે. આ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 17 ડિસેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું હતું. ડાયમંડ બુર્સની સાથે સાથે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ મળ્યુ હતું. મહત્વની વાત છે કે, સુરતમાં હીરાનો વેપાર વધારવા માટે હીરા ઉદ્યોગકારોએ સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાની માગણી કેન્દ્ર સરકાર સામે ઘણા સમયથી કરી હતી. હવે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ મળી ચૂક્યું છે. પરંતુ જે માધ્યમ માટે એટલે કે હીરા બુર્સ માટે આ માગણી કરાઈ હતી તે હીરા બુર્સ શરૂ કરવામાં ઘણી અડચણો આવી રહી છે.
આ પણ વાંચોઃ સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, ભાવ ઓલટાઇમ હાઈ
મહત્વની વાત છે કે, ઉદ્ઘાટનના 118 દિવસ થયા બાદ હોવા છતાં પણ હજુ સુધી ડાયમંડ બુર્સમાં ત્રણ જ ઓફિસ શરૂ થઈ છે. ત્યારે ડાયમંડ બુર્સના નવા ચેરમેન ગોવિંદ ધોળકિયા દ્વારા સુરતના હીરાના વેપારીઓ સાથે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલામાં વહેલી તકે વેપારીઓ ઓફિસો ડાયમંડ બુર્સમાં શરૂ કરે તે માટે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. ડાયમંડ બુર્સ કમિટીની વેપારીઓ સાથે જે બેઠક મળી હતી તેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, ધર્મનંદન ડાયમંડ 1 જુલાઈથી ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરશે. ત્યારબાદ ડાયમંડ બુર્સના નવા ચેરમેન ગોવિંદ ધોળકિયા 7 જુલાઈએ ઓફિસ ડાયમંડ બુર્સમાં શરૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, ડાયમંડ બુર્સની અંદર એકસાથે 400થી 500 જેટલી ઓફિસો શરૂ થાય તે પ્રકારનું આયોજન ડાયમંડ બુર્સ કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડાયમંડ બુર્સ બિલ્ડિંગમાં ઓફિસો ધરાવતા લોકો પાસેથી લેટરપેડ પર ઓફિસ શરૂ કરવાની બાંહેધરી પણ માગવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં જ સુરતની મહિધરપુરા હીરા બજારમાં વેપારીઓ સાથે ડાયમંડ બુર્સ કમિટી દ્વારા એક બેઠક કરવામાં આવી હતી અને ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા વેપારીઓને ઓફિસો શરૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.