October 11, 2024

ગુજરાતનું સુરત શહેર સ્વચ્છતામાં બન્યું નંબર વન

સુરત :  ડાયમંડ સીટી તરીકે જાણીતુ ગુજરાતનું શહેર સુરત સ્વચ્છતાના મામલે પહેલાં નંબર પર આવી ગયુ છે. સુરત શહેર હવે ક્લીન સીટી તરીકે પણ ઓળખાશે. પીએમ મોદીના સ્વચ્છ ભારતના અભિયાન હેઠળ ગુજરાતને વધુ એક બિરુદ્ધ પ્રાપ્ત થયું છે. ભારતના સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં ગુજરાતનું સુરત અને ઇન્દોર સ્વચ્છતાના મામલે પહેલાં નંબર પર છે. દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સુરતે બાજુ મારી છે. સુરતને સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૩માં દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે. ઈન્દોરમાં સ્વચ્છતા માટેના ઈનોવેશન્સને સુરતના અધિકારીઓ દ્વારા અમલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ત્રણ વર્ષથી બીજા સ્થાને રહેલું સુરત આ સ્વચ્છતા સર્વેક્ષણ-2023માં ઈન્દોરની સાથે નંબર-1 પર આવ્યું છે. સતત બે વર્ષ સુધી સુરતના જનપ્રતિનિધિઓ, એનજીઓ અને કંપનીઓના પ્રતિનિધિઓ ઈન્દોર આવ્યા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, કચરામાંથી ખાતર અને ગેસ બનાવવા જેવા અન્ય યોજનાનો અમલ કર્યો હતો. મળતી માહિતી મુજબ ઈન્દોર શહેરનું વેસ્ટ મેનેજમેન્ટ મોડલ સુરતમાં લાગુ કરવામાં આવ્યું હતું. આ જ કારણથી હવે સુરતમાં ભીના અને સૂકા કચરા સિવાય ઘરનો હાનિકારક કચરો પણ ત્યાં અલગ-અલગ લેવામાં આવે છે. ઈન્દોરના ટ્રેન્ચિંગ ગ્રાઉન્ડમાં એકઠા થયેલા 15 લાખ ટન કચરાના પહાડને બાયો રેમેડીએશન પદ્ધતિથી દૂર કરવામાં આવ્યો હતો. સુરતમાં ડાયમંડ પાર્ક પાસેના કચરાના પહાડને દૂર કરવા માટે આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બાયો-સીએનજી પ્લાન્ટ બનાવવાની તૈયારી
સુરતમાં ઘરો અને સ્થળોમાંથી કચરો ભેગો કરતા ડોર ટુ ડોર વાહનોમાં ફેરફાર કર્યો હતો. જેમાં એક તરફ ભીનો કચરો અને બીજી બાજુ સૂકો કચરો નાખવાની વ્યવસ્થા કરી હતી. જેના કારણે રસ્તા પર વાહનો નીકળતા બંને બાજુ લોકોને કચરો નાખવામાં મુશ્કેલી પડતી હતી આ કારણથી ઈન્દોરની જેમ સુરતમાં પણ વાહનો બદલવામાં આવ્યા હતા. પહેલા સુરતમાં ભીના કચરામાંથી ખાતર બનાવવામાં આવતું હતું. હવે ભીના કચરામાંથી બાયો-સીએનજી પ્લાન્ટ બનાવવાની તૈયારી ચાલી રહી છે. સુકા કચરાનું વર્ગીકરણ કરવા માટે મટીરીયલ રીકવરી ફેસીલીટીનું મશીન મુકવામાં આવ્યું છે. ઈન્દોરની જેમ ગયા વર્ષે સુરતમાં સાત જેટલા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જે રહેઠાણ વિસ્તારોના ઘરોમાંથી ભેગો થતો કચરો અહીં પહોંચાડવામાં આવે છે.

પબ્લિક ટોયલેટમાં સુધારો કર્યો
ઈન્દોરમાં ચાર-પાંચ વર્ષ પહેલા જ પબ્લિક ટોયલેટમાં સુધારો કર્યો હતો અને સુરતમાં બે વર્ષથી આ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ખુલ્લામાં શૌચ કરવા અને પેશાબ કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી બાજુ ઈન્દોરમાં જે રીતે બિનઉપયોગી વસ્તુઓમાંથી કલાકૃતિઓ બનાવીને શહેરને શણગારવામાં આવ્યું છે, તેવી જ રીતે સુરતને પણ શણગારવામાં આવ્યું છે અને સુરતની તાપી નદીમાં કેનાલ ટેપીંગ માટે 700 થી 800 કરોડનું બજેટ ફાળવવમાં આવ્યું હતું અને કામ શરૂ થયું હતું.