September 18, 2024

એમેઝોન પર અન્ય વ્યક્તિના GST નંબર-પાનકાર્ડના ઉપયોગથી ફર્મ ઉભી કરનારા ત્રણની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ Amazon કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ પર અન્ય વ્યક્તિના જીએસટી નંબર તેમજ પાનકાર્ડનો ઉપયોગ ઓનલાઇન ફર્મ ઊભી કરીને અલગ અલગ વસ્તુનું વેચાણ કરી કરી લોકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ ઇસમોને અડાજણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

Amazon કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ પર અન્ય વ્યક્તિના નામે જીએસટી નંબર તેમજ પાનકાર્ડ નંબર લઈને લોકો સાથે છેતરપિંડી કરતા ઇસમો સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. આ ફરિયાદ દાખલ થયા બાદ અડાજણ પોલીસના સ્ટાફ દ્વારા સાયબર પોલીસને સાથે રાખીને વર્કઆઉટ દરમિયાન ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.

આ ત્રણ ઈસમોમાં અમિત જીવાણી સુરતના માધવ એલીગન્સ જહાંગીરપુરાનો રહેવાસી છે. હેત કુમાર ચૌહાણ જહાંગીરપુરાનો રહેવાસી છે અને અશ્વિન આંબલીયા કે જે અવધૂત નગર સોસાયટી ધનમોરા કતારગામનો રહેવાસી છે. આ ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેમને ફરિયાદીની જાણ બહાર ફરિયાદીની સંમતિ વગર તેમના જીએસટી નંબર અને પાનકાર્ડનો નંબર મેળવી લીધો હતો અને ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ઊભી કરી હતી. આરોપી શ્રી ભવનધી ક્રિએશનના નામથી એમેઝોન પર ઓનલાઇન કંપની ચાલુ કરી હતી અને ત્યારબાદ તેના પર અલગ અલગ વસ્તુનું વેચાણ કરવામાં આવતો હતો. તે મૂળ વ્યક્તિને માહિતી મળતા જ તેમને તાત્કાલિક આ બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી.