December 4, 2024

સુરત એરપોર્ટમાં નશામાં ધૂત મહિલાનો હોબાળો, ફ્લાઇટ 30 મિનિટ મોડી પડી

સુરતઃ શહેરમાં આવેલા એરપોર્ટ પર મહિલાએ દારૂના નશામાં હંગામો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે મહિલાના હોબાળાને કારણે બેંગ્લોર જતી ફ્લાઇટ 30 મિનિટ મોડી ટેક ઓફ થઈ હતી.

મળતી માહિતી પ્રમાણે, દારૂના નશામાં ધૂત મહિલા સિક્યોરિટી સ્ટાફને ચકમો આપી ફ્લાઈટમાં ચડી ગઈ હતી. આ ફ્લાઇટ એર ઇન્ડિયાની હતી. આ ફ્લાઇટ સુરતથી બેંગ્લોર જઈ રહી હતી. ત્યારે સિક્યોરિટી સ્ટાફે ધક્કો મારીને નીચે ઉતારતા મહિલાએ પોલીસ બોલાવી હતી અને ભારે હંગામો મચાવ્યો હતો.

ત્યારે નશામાં ધૂત મહિલા પેસેન્જરને ફ્લાઇટમાંથી નીચે ઉતારવામાં આવી હતી અને એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇન્સે મહિલાને ટિકિટના રૂપિયા પણ પરત આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહિલાના હોબાળાને કારણે આ ફ્લાઇટ 30 મિનિટ મોડી ટેક ઓફ થઈ હતી.