November 5, 2024

તિરુપતિ લાડુ વિવાદની તપાસ નવી SIT કરશે, આસ્થાનો સવાલ-રાજકીય ડ્રામા નથી કરવોઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશના તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રસાદ તરીકે પીરસવામાં આવતા લાડુ બનાવવામાં પશુ ચરબીના ઉપયોગના આરોપોની તપાસ કરવા માટે નવી સ્વતંત્ર SITની રચના કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, SITમાં બે CBI અધિકારીઓ, બે આંધ્રપ્રદેશ પોલીસ અધિકારીઓ અને FSSAIના એક વરિષ્ઠ અધિકારીનો સમાવેશ થશે. સીબીઆઈ ડાયરેક્ટર એસઆઈટીની તપાસ પર નજર રાખશે.

આ પહેલા કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, જો આરોપમાં કોઈ સત્ય હોય તો તે અસ્વીકાર્ય છે. SIT પર વરિષ્ઠ કેન્દ્રીય અધિકારી દ્વારા દેખરેખ રાખવી જોઈએ. તેનાથી લોકોમાં વિશ્વાસ વધશે. એસજીએ કહ્યું કે, દેશભરમાં ભક્તો છે, અન્ન સુરક્ષા પણ છે. મને SIT સભ્યો વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી નથી.

તેના પર સુપ્રીમ કોર્ટે એક સ્વતંત્ર એસઆઈટીની રચના કરવાનું સૂચન કર્યું હતું. સીબીઆઈ અને રાજ્ય સરકાર તરફથી બે-બે સભ્યો હોઈ શકે છે. આ ઉપરાંત FSSAI તરફથી એક સભ્યને પણ આ સમિતિમાં રાખવા જોઈએ. FSSAI ખાદ્ય ચીજોની તપાસના મામલે સૌથી નિષ્ણાત સર્વોચ્ચ સંસ્થા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કરોડો લોકોની આસ્થાનો પ્રશ્ન છે. આવી સ્થિતિમાં તેઓ નથી ઈચ્છતા કે આ રાજકીય ડ્રામા બને. સ્વતંત્ર સંસ્થા હશે તો આત્મવિશ્વાસ પેદા થશે. સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી કરીને અરજીનો નિકાલ કર્યો કે, જો કોઈ સમસ્યા હોય તો તમે તપાસ બાકી હોય તો તમે ફરીથી કોર્ટનો સંપર્ક કરી શકો છો.

આ કારણે ગઈ કાલે સુનાવણી થઈ ન હતી
અગાઉ આ કેસની સુનાવણી ગુરુવારે બપોરે 3.30 વાગ્યે થવાની હતી. ત્યારબાદ મહેતાએ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠને પૂછ્યું હતું કે, જો તમે પરવાનગી આપો તો શું હું શુક્રવારે સવારે 10:30 વાગ્યે જવાબ આપું? બેન્ચે વિનંતી સ્વીકારી અને કહ્યું કે, તે આ મામલે શુક્રવારે સુનાવણી કરશે.

30 સપ્ટેમ્બરના રોજ કેસની સુનાવણી કરતી વખતે બેન્ચે મહેતાને તે નક્કી કરવામાં મદદ કરવા કહ્યું હતું કે, શું રાજ્ય દ્વારા નિયુક્ત SIT દ્વારા તપાસ ચાલુ રાખવી જોઈએ કે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તે પણ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, ‘શું લાડુ બનાવવામાં ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ થતો હોવાના પુરાવા હતા? અમે ઓછામાં ઓછી આશા રાખીએ છીએ કે દેવતાઓને રાજકારણથી દૂર રાખવામાં આવશે. તપાસના આદેશ આપ્યા હતા તો પ્રેસમાં જવાની શું જરૂર હતી?’ તિરુપતિ લાડુ વિવાદ પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ‘આ વિશ્વાસનો વિષય છે. જો ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે અસ્વીકાર્ય છે.’

આંધ્રપ્રદેશ સરકારને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા
સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ સરકારને પૂછ્યું કે, ‘શું પ્રસાદના લાડુ બનાવવામાં દૂષિત ઘીનો ઉપયોગ થાય છે કે નહીં?’ ટીડીપી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું કે, ‘લોકોએ ફરિયાદ કરી હતી કે લાડુનો સ્વાદ સારો નથી.’ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘લોકોને આ વાતની જાણ નથી, તમે માત્ર નિવેદન આપ્યું છે. પ્રસાદ માટે દૂષિત ઘીનો ઉપયોગ થતો હોવાના કોઈ પુરાવા નથી.’