સોલામાં વર્ક પરમીટ વિઝાથી કેનેડા મોકલવાના નામે 50 લાખની છેતરપીંડી, એજન્ટની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અમેરિકામાંથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરનાર 33 ગુજરાતીઓને ડિપોર્ટ કર્યા બાદ પોલીસે એજન્ટની તપાસ તેજ કરી છે. ત્યારે સોલામાં વર્ક પરમીટ વિઝાથી કેનેડા મોકલવાના નામે રૂ 50 લાખની છેતરપીંડી કરનાર એક એજન્ટની પોલીસે ધરપકડ કરી છે. યુવાનોને નોકરીની લાલચ આપીને છેતરપીંડી કરતો હતો. આ એજન્ટએ ગેરકાયદેસર કોઈને વિદેશ મોકલ્યા છે કે નહીં તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી રાહુલ શાહ વિઝા એજન્ટ છે. આ આરોપીએ બે યુવકોને વર્ક પરમીટ વિઝાના નામે કેનેડા મોકલવાની લાલચ આપીને રૂ. 50 લાખ પડાવ્યા હતા. ગાંધીનગરમાં રહેતા મનોજ પટેલ અને તેના મિત્ર ક્ષિતિઝ પ્રજાપતિને કેનેડા વર્ક પરમીટ પર જવાનું હતું. જેથી વંદેમાતરમ રોડ પર આવેલા બ્લુસ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશન પ્રોપરાયટર રાહુલ શાહના સંપર્કમાં આવ્યા હતા. રાહુલ શાહએ કેનેડા વર્ક પરમીટ વિઝા કરવાની લાલચ આપીને એક વ્યક્તિના રૂ. 25 લાખ નક્કી કર્યા હતા. આ એજન્ટએ બન્ને મિત્રો પાસેથી રૂ.50 લાખ પડાવ્યા હતા. પરંતુ કોઈ વિઝા કરી નહિ આપતા ફરિયાદીએ રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ આરોપી રાહુલ શાહએ પૈસા પરત નહિ કરતા ફરિયાદીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એજન્ટની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિઝા એજન્ટ રાહુલ શાહ બે વર્ષ પહેલાં વંદેમાતરમ રોડ પર બ્લુસ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશન પ્રોપરાયટર નામથી વિઝા કન્સ્ટલટીંગનું કામ શરૂ કર્યું હતું. આરોપી અનેક લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલ્યા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આ એજન્ટની તપાસમાં વડોદરાના વધુ એક એજન્ટનું નામ સામે આવ્યું છે. ફરિયાદી અને તેના મિત્રએ આરોપીને રોકડ અને RTGS દ્વારા રૂ. 50 લાખ ચૂકવ્યા હતા. આ રૂપિયા આરોપીએ વડોદરાના એજન્ટને આપ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. જેથી સોલા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે.
અમેરિકાથી 33 ગુજરાતીઓ ડિપોર્ટ થયા બાદ ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવનાર એજન્ટને લઈને પોલીસે તપાસ તેજ કરી છે. ત્યારે સોલામાં પકડાયેલા એજન્ટ સાથે અન્ય ક્યા ક્યા એજન્ટ સંડોવાયેલા છે. આ એજન્ટો દ્વારા કેટલા લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલ્યા છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.