December 6, 2024

PM મોદીના રોડ શો માટે પ્લાન્ટેશન કરાયેલ ઘાસની લૉન ચોરી ગયા તસ્કરો

વડોદરા: સંસ્કારીનગરી વડોદરા છેલ્લા કેટલાય સમયથી સતત ચર્ચામાં રહે છે. ત્યારે આજે ફરી એકવાર વડોદરા ચર્ચામાં આવ્યું છે. અને તેનું કારણ છે એક અજીબોગરીબ ચોરી. જોકે આ વખતે ચોરી કોઈ દાગીના કે રોકડની નથી થઈ. આ વખતે ઘાસની ચોરી થઈ છે અને તે પણ જેવી તેવી ઘાસ નહીં. પીએમ મોદીના રોડ શો માટે પ્લાન્ટેશન કરવામાં આવેલ ઘાસની ચોરી કરવામાં આવી છે.

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે કરાયેલા પ્લાનટેશનના ઘાસની લોનની ચોરી કરવામાં આવી છે. રોડ શો માટે રોડ પર પોઇન્ટેશિયાના 100 છોડનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાંથી 25 છોડ ગાયબ થઈ ગયા છે. ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

વડાપ્રધાન મોદીને આવકારવા માટે એરપોર્ટથી ખોડીયાર નગર વિસ્તારમાં લોન પાથરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પૂર્ણ થયાની રાત્રે જ ન્યુ વીઆઇપી રોડ પરથી અંદાજિત દોઢથી બે ફૂટની ઘાસની લોન ગાયબ થઈ ગઈ હતી. વડોદરા મહાનગરપાલિકાએ CCTVના આધારે શોધખોળ હાથ ધરી છે.