સિક્કિમના લાચુંગ ગામે હોટેલમાં 30 ગુજરાતીઓ સલામત
અમદાવાદઃ સિક્કિમ રાજ્યના મંગન જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાથી લાચુંગ ગામમાં દેશના ઘણા પ્રવાસીઓ ફસાયેલા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા.
આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેમની પરિસ્થિતિ અંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કિમ રાજ્યના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરી માહિતી મેળવતા હાલમાં સિક્કિમ રાજ્યની વહીવટી ટીમ લાચુંગ ગામે પહોંચી છે.
રાજ્યના પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ અલગ હોટલમાં રોકાયેલા હોવાથી કુલ કેટલા પ્રવાસી ફસાયેલા છે, તેની વિગતો તેઓ પાસે હાલ ઉપલબ્ધ નથી. પરંતુ ગુજરાતના આશરે 30થી વધુ પ્રવાસી લાચુંગ ગામે હોટલમાં હોવાની વિગતો અત્રેને પ્રાપ્ત થઈ છે.
લાચુંગ ગામમાં તમામ પ્રવાસી સલામત છે તથા પાયાની તમામ જરૂરિયાત મળી રહે છે. હાલમાં પુલ-રોડ તૂટેલા હોવાથી વેધર ક્લિયર થતાં આવતીકાલથી રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામાં આવશે. સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.