December 11, 2024

ભારત અમેરિકા વચ્ચે 31 પ્રિડેટર ડ્રોન ડીલ પર હસ્તાક્ષર, હિંદ મહાસાગરમાં વધશે દેશની તાકાત

US India Defence Deal: ભારતે અમેરિકા સાથે 31 પ્રિડેટર ડ્રોન ખરીદવાનો કરાર કર્યો છે. બંને દેશો વચ્ચે આ ડીલ પર બંને પક્ષોએ હસ્તાક્ષર કર્યા હતા. એક અધિકારીએ આ અંગે માહિતી આપી. આ ડીલને લઈને બંને દેશો વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. 32 હજાર કરોડ રૂપિયામાં આ ડીલ કરવામાં આવી છે. આનાથી સમુદ્રથી લઈને જમીન અને આકાશ સુધી ભારતની ફાયર અને સર્વેલન્સ ક્ષમતામાં અસરકારક વધારો થશે. સંરક્ષણ બાબતોની કેબિનેટ સમિતિએ ગયા અઠવાડિયે જ આ ડીલને મંજૂરી આપી દીધી હતી. ભારતમાં આયોજિત એક કાર્યક્રમમાં બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ અને સૈન્ય અધિકારીઓની હાજરીમાં આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

હિંદ મહાસાગરમાં વધશે ભારતની ધાક
ભારત દ્વારા 31 પ્રિડેટર ડ્રોન ખરીદવાના સંરક્ષણ સોદાની જાહેરાત ગયા વર્ષે વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. આ ડીલના મહત્વ અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું હતું કે આ ડીલ બંને દેશોના વ્યૂહાત્મક ટેકનિકલ સહયોગ અને સૈન્ય સહયોગમાં નોંધપાત્ર વધારો કરશે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, પ્રિડેટર ડ્રોન MQ-9Bના અધિગ્રહણથી હિંદ મહાસાગરમાં ભારતીય નૌકાદળની દેખરેખ શક્તિ અનેક ગણી વધી જશે. આ પ્રિડેટર ડ્રોન અમેરિકન કંપની જનરલ એટોમિક્સ પાસેથી ખરીદવામાં આવશે. આ ડીલ ભારત અને અમેરિકાની સરકારો વચ્ચે ફોરેન મિલિટરી સેલ્સ કોન્ટ્રાક્ટ હેઠળ કરવામાં આવી છે. ડીલ હેઠળ મળેલા 31 પ્રિડેટર ડ્રોનમાંથી ભારતીય નેવીને 15 ડ્રોન મળશે. જ્યારે એરફોર્સ અને આર્મીને 8-8 ડ્રોન મળશે.