શ્રાવણના 7 દિવસ પૂરાં, વાંચો ગુજરાતનાં અલૌકિક-પૌરાણિક 7 શિવલિંગની અદ્ભુત સ્ટોરી
અમદાવાદઃ શ્રાવણ મહિનો ચાલુ થયાને અઠવાડિયું પૂરું થઈ ગયું છે. ત્યારે વાંચો 7 અલૌકિક અને પૌરાણિક શિવાલયની સ્ટોરી.
ગુજરાતના દરિયાકિનારે આવેલું છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ. ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં સોમનાથ શહેર આવેલું છે અને દરિયાકિનારે સોમનાથ મહાદેવનું ભવ્ય શિવાલય આવેલું છે. પૌરાણિક કાળમાં આ જગ્યા પ્રભાસ તીર્થ તરીકે ઓળખાતું હતું. એવું માનવામાં આવે છે કે, ચંદ્રદેવે જ સોમનાથ મહાદેવના શિવલિંગની સ્થાપના કરી હતી. તેથી જ તેઓ સોમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. દ્વારકા ધામથી આ શિવાલય 18 કિલોમીટર દૂર છે. એવી માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણ અહીં મહાદેવનો રુદ્રાભિષેક કરતા હતા. પુરાણો પ્રમાણે ભગવાન મહાદેવને નાગના દેવતા કહેવામાં આવે છે. ભગવાન શિવના સહસ્ત્ર નામમાંથી એક નામ નાગેશ્વર પણ છે, નાગના ઈશ્વર એટલે નાગેશ્વર. નાગ દેવતા હંમેશાં ભગવાન શિવજીના ગળામાં વિરાજિત રહે છે. જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગના શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે, તેઓ જાણ્યે-અજાણ્યે થયેલાં પાપમાંથી મુક્ત થઈને દિવ્ય શિવલોકમાં સ્થાન પામે છે, તેવી માન્યતા પણ છે.
ગુજરાતના જૂનાગઢની ભવનાથની તળેટીમાં આવેલું મુખ્ય આરાધ્ય સ્થાન એટલે ‘ભવનાથ મહાદેવનું મંદિર’. સાક્ષાત્ શિવજી અહીં અનાદિકાળથી વસ્યાં છે. આ સ્થાનક સાથે અનેક દંતકથાઓ સંકળાયેલી છે.
ગુજરાતના ભાવનગરમાં કોળિયાક દરિયાકિનારાથી ત્રણ કિલોમીટર અંદર અરબ સાગરમાં નિષ્કલંક મહાદેવનું શિવાલય આવેલું છે. અહીં દરિયાનાં મોજાં દરરોજ શિવલિંગનો જળાભિષેક કરે છે. લોકો પાણીમાં પગપાળા ચાલીને જ દર્શન કરવા જાય છે. શિવભક્તોને દર્શન માટે ઓટ આવવાની રાહ જોવી પડે છે. ભરતી સમયે માત્ર મંદિરની ધ્વજા અને સ્તંભ જ દેખાય છે અને સમગ્ર મંદિર જળમગ્ન થઈ જાય છે.
‘શ્રાવણમાં શિવાલયયાત્રા’માં આજે પાંચમો દિવસ છે. આજે આપણી યાત્રા પહોંચી છે વડોદરા જિલ્લામાં. વડોદરા શહેરથી અંદાજે 85 કિલોમીટર દૂર કાવી-કંબોઈ ગામમાં સ્તંભેશ્વર મહાદેવનું પ્રાચીન શિવાલય આવેલું છે. એવી માન્યતા છે કે, આ મંદિરની સ્થાપના કાર્તિકેય સ્વામીએ કરી હતી. મધદરિયે આવેલું આ મંદિર દિવસમાં બેવાર સમુદ્રમગ્ન થઈ જાય છે. સમુદ્રમાં સવાર-સાંજ બેવાર ભરતી આવે છે અને મંદિર જળમગ્ન થઈ જાય છે અને ભરતી જતાં જ ફરીથી દેખાવા લાગે છે. જંબુસરમાં આવેલા આ શિવમંદિરે મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉમટે છે અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ મંદિર અરબ સાગરની વચ્ચે કેમ્બે તટ ઉપર બનેલું છે.
‘શ્રાવણમાં શિવાલયયાત્રા’માં આજે છઠ્ઠો દિવસ છે. આજે આપણી યાત્રા પહોંચી છે વડોદરા જિલ્લામાં. વડોદરાના ડભોઈ તાલુકામાં કરનાળી ગામે કુબેર ભંડારી મંદિર આવેલું છે. આ મંદિરનું નામ કુબેર ભંડારી છે, પણ હકીકતમાં આ એક શિવાલય છે. નર્મદા નદીના કિનારે આ મંદિર આવેલું હોવાથી તેનું મહત્વ વધી જાય છે.
શ્રાવણ મહિનાના સાતમા દિવસે શિવાલય યાત્રા પહોંચી ગઈ છે પાકિસ્તાન બોર્ડરે એટલે કે કચ્છ જિલ્લામાં. ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં કોટેશ્વર ગામ આવેલું છે અને અહીં જ મહાદેવ કોટેશ્વર નામથી વસ્યાં છે.