સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર સામે પાંચ વિદ્યાર્થિનીઓની ફરિયાદ, ક્લાસમાં દ્વિઅર્થી શબ્દો બોલવાનો આક્ષેપ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર વિવાદમાં આવ્યા છે. પાંચ વિદ્યાર્થિનીઓએ પ્રોફેસર સામે ફરિયાદ કરી છે. પ્રોફેસર ક્લાસરૂમમાં ભણાવતી વખતે દ્વિઅર્થી શબ્દો વાપરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

આ ઉપરાંત વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, પ્રોફેસર ચોક્કસ જ્ઞાતિને માર્ક આપે છે. આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સંજય પંડ્યા સામે છાત્રાઓએ CMO સુધી ફરિયાદ કરી છે. વિદ્યાર્થિનીઓની ફરિયાદના આધારે મહિલા આયોગ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને તપાસના આદેશ આપ્યા છે.

મહિલા આયોગ દ્વારા ઈમેલ કરી સમગ્ર મામલે કુલપતિને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદ કરનારી વિદ્યાર્થિનીઓની ફરિયાદમાં ખરેખર કેટલું તથ્ય છે, તે તપાસ બાદ સામે આવશે. વિદ્યાર્થિનીઓની ફરિયાદમાં તથ્ય નીકળશે તો યુનિવર્સિટી માટે ગંભીર બાબત સાબિત થશે.