December 13, 2024

સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન, ભાખરવડ ડેમ ઓવરફ્લો; ધરતીપુત્રોમાં આનંદ

અમદાવાદઃ દ્વારકાના ખંભાળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ખંભાળિયા, સલાયા, હરિપર, રામનગર સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

જૂનાગઢના માળીયા હાટીના તાલુકામાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા બે કલાકમાં માળીયા હાટીના તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે માંગરોળ તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તો કેશોદમાં 4 મિમિ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં 3 જગ્યાએ વીજળી પડતા 21 પશુ સહિત એક બાળકનું મોત

ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો
જૂનાગઢના માળીયા હાટીના તાલુકાનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં સિઝનમાં પ્રથમવાર ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે. ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ, સિંચાઈ માટે પાણી પૂરૂં પાડતો ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.