October 5, 2024

સરખેજનો ભારતી આશ્રમ ફરી વિવાદમાં, હરિહરાનંદ બાપુના આક્ષેપ

અમદાવાદઃ સરખેજમાં આવેલો ભારતી આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. વિશ્વંભર ભારતી બાપુના શિષ્ય હરિહરાનંદ ભારતી સરખેજ આશ્રમ પહોંચ્યા છે. તેમણે કહ્યું છે કે, આ આશ્રમ ભારતી બાપુએ મને સોંપ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વંભર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ પણ મોટો વિવાદ થયો હતો.

તેમણે જણાવ્યુ હતુ કે, ‘આ કોઈ વિવાદ નથી. બધાય આશ્રમ સનાથળ, વાંકિયા અને કેવડિયા અને બધા જ આશ્રમનું સંચાલન મારા હાથમાં જ હતું. દરેક જગ્યાએ મેં વિશ્વાસ પ્રમાણે માણસો મૂક્યાં છે. મારી સાથે અને મારા સેવકો સાથે અભદ્ર વર્તન થવા લાગ્યું હતું. અખાડાના સાધુ સંતોની મધ્યસ્થીથી સમાધાન કર્યું હતું. હું આવ્યો ત્યારે મેં ફોન કર્યો પરંતુ મને રૂમ ખોલી આપ્યો નહોતો. અહીં રહીને હું જ સંચાલન કરીશ.’

મહત્વનું છે કે, આ પહેલાં પણ આશ્રમના વિલને લઈને વિવાદ ઉભો થયો હતો. ત્યારે ઋષિ ભારતી અને હરિહરાનંદ ભારતી બાપુ વચ્ચે વિવાદ થયો હતો અને આક્ષેપ-પ્રત્યાક્ષેપ કર્યા હતા. ત્યારબાદ સમાધાન કરી લેવામાં આવ્યું હતું. પરંતુ અચાનક જ હરિહરાનંદ ભારતી બાપુ આવી જતા તેમણે ચોંકાવનારા દાવા કર્યા હતા.