December 13, 2024

‘તેમને સત્તાનો નશો ચઢ્યો’, શિવાજી મહારાજનું સ્ટેચ્યૂ તૂટી પડવા મામલે સંજય રાઉતના ભાજપ સરકાર પર પ્રહાર

Chhatrapati Shivaji Maharaj Statue News: મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યૂ તુટી પડ્યા બાદ વિપક્ષે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. ઉદ્ધવ જૂથના સાંસદ અને શિવસેના (UBT)ના પ્રવક્તા સંજય રાઉતે આ ઘટનાને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે વડાપ્રધાન મોદીને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે.

ઉદ્ધવ જૂથે મહાયુતિને ઘેરી
સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા કહ્યું, કેટલાક લોકોને સત્તાનો નશો એટલો ચડી ગયો છે કે તેમને હવે જમીન પર રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. તાજેતરમાં જ વડાપ્રધાને સિંધુદુર્ગ કિલ્લા ખાતે ભારતીય સેનાના એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન ઉતાવળમાં કરવામાં આવ્યું હતું. કોલ્હાપુરના સંભાજી રાજે છત્રપતિ સહિત ઘણા લોકોએ આ ઉતાવળિયા ઉદ્ઘાટનને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા, પરંતુ તેમના વિચારોને અવગણવામાં આવ્યા હતા.

તમામ કોન્ટ્રાકટર સીએમ શિંદેના નજીકના
સાંસદ સંજય રાઉતે સીએમ શિંદે પર આરોપ લગાવતા કહ્યું કે આ કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ કોન્ટ્રાક્ટરો મુખ્યમંત્રીના નજીકના હતા. પરિણામે ત્યાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા હવે તૂટી ગઈ છે. આ ઘટના મહારાષ્ટ્ર માટે ખૂબ જ મોટી શરમજનક વાત છે. શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવી માત્ર ઐતિહાસિક વારસાને નુકસાન જ નથી પરંતુ રાજ્યની પ્રતિષ્ઠાને પણ ફટકો છે. પ્રશાસન હવે બહાનું બનાવી રહ્યું છે કે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. પરંતુ સત્ય એ છે કે પવન તેમના મગજમાં ઘૂસી ગયો છે.

આ પણ વાંચો: રાજસ્થાન સહિત 14 રાજ્યમાં વરસાદને લઈ એલર્ટ, 60 KMની ઝડપે ફૂંકાશે પવન

પૂર્વ પીએમ નેહરુનો કર્યો ઉલ્લેખ
સંજય રાઉતે વધુમાં કહ્યું કે, ઈતિહાસમાં નજર કરીએ તો 1933માં ગિરગામ ચોપાટી પર દરિયા કિનારે લોકમાન્ય તિલકની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, જે આજે પણ મજબૂત રીતે ઉભી છે. પ્રતાપગઢ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પણ છે, જેનું અનાવરણ પૂર્વ વડાપ્રધાન નેહરુએ કર્યું હતું. તે પ્રતિમા હજુ પણ ત્યાં જ ઉભી છે. પરંતુ માત્ર 8 મહિના જુની પ્રતિમાનું તુટી પડવું એ મોટો ફટકો છે, જે ઊંડો ભ્રષ્ટાચાર છાંટો કરે છે. શિવાજી મહારાજ જેવા મહાનાયકના નામે થઈ રહેલા આ ભ્રષ્ટાચારે સમગ્ર મહારાષ્ટ્રને શરમમાં મૂકી દીધું છે. મહાવિકાસ આઘાડી આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે અને આના પર વધુ કડક પગલાં લેવાનું વિચારી રહી છે.

પીએમ મોદી પર કર્યો પ્રહાર
સંજય રાહુતએ એક મરાઠી કહેવતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘જ્યાં હાથ નાખો ત્યાં સોનું બની જાય’. પરંતુ, આજે સ્થિતિ સાવ વિપરીત બની છે. વડાપ્રધાન મોદી જ્યાં હાથ નાખે છે ત્યાં બધું ખોટું થઈ જાય છે. અયોધ્યામાં રામ મંદિર હોય કે સંસદ ભવન, દરેક જગ્યાએ સમસ્યાઓ ઉભી થઈ રહી છે. બ્રિજનું ઉદ્ઘાટન હોય કે અન્ય પ્રોજેક્ટ, દરેક બાબતમાં ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા જોવા મળી રહી છે. આ સ્થિતિને કારણે દેશ પણ હવે ધ્વસ્ત રહ્યો છે. આ સ્થિતિ ન તો શ્રદ્ધાની છે કે ન તો અંધશ્રદ્ધાની. આ એક ગંભીર સમસ્યા છે જેને અવગણી શકાય નહીં.