November 9, 2024

ગીર ગઢડા ખાતે યોજાયું સંઘર્ષ સંમેલન, વડગામ ધારાસભ્યના જિલ્લા કલેકટર વિરુદ્ધ આક્ષેપો

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકા ખાતે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના અધ્યક્ષસ્થાને સંઘર્ષ સંમેલન યોજાયું. સંઘર્ષ સંમેલનમાં દલિતો પર થતા અન્યાય અને સમઢીયાળા કાંડને આઠ વર્ષ થવા છતાં પીડિતોને ન્યાય ન મળતા સંમેલન યોજાયું હતું. જોકે સંમેલન દરમિયાન ગીર સોમનાથમાં દબાણો હટાવવા મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગિર સોમનાથ જિલ્લા કલેક્ટર પર આક્ષેપો કર્યા.

ઉનાના સમઢીયાળા ગામે આજે દલિત પરિવાર પર થયેલા અત્યાચારને 8 વર્ષ પૂર્ણ થતાં અને સમઢીયાળા કાંડના પીડિતોને આજ દિન સુધી ન્યાય ન મળતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં ગીર ગઢડા ખાતે સંઘર્ષ સંમેલન યોજાયું. જ્યાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગીર સોમનાથ જિલ્લામાં દબાણો હટાવવાને લઈ કલેક્ટર પર નિશાન સાધી આક્ષેપો કર્યા હતા. જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું, “આ પ્રપંચ છે ગરીબોના ઘર તોડવામાં આવી રહ્યા છે. તમારામાં પાણી હોય તો દીનું બોઘા સોલંકી પર કાર્યવાહી કરો? તમારામાં ત્રેવડ હોય તો બિલ્ડરો કોર્પોરેટ કંપનીના દબાણો હટાવી જુઓ”

તો સાથે સાથે, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, “ગીર સોમનાથ કલેકટર રાજકીય ઇશારે દબાણો હટાવી રહ્યા છે અને આ યોગ્ય નથી, તેમનામાં ત્રેવડ હોય રાજકીય માથાઓ, બિલ્ડરો, કોર્પોરેટ કંપનીઓના દબાણો હટાવી જુએ, કલેકટરે ભ્રષ્ટાચાર કરી કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મોરબી અને રાજકોટમાં ઉભી કરી છે અને એમના ચિરંજીવીઓ લક્ઝુરિયસ કારના ફોટાઓ સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે. જે તમામ ફરિયાદ હું ACBમાં કરવાનો છું.”

એક તરફ દબાણો મામલે જીગ્નેશ મેવાણીએ તંત્ર પર પ્રહારો કર્યા તો બીજી તરફ જૂનાગઢ ગણેશ ગોંડલ દ્વારા સંજય સોલંકી નામના યુવાનનું અપહરણ મામલે તેમના પિતા રાજુ સોલંકીએ પણ મોટું નિવેદન આપ્યું. રાજુ સોલંકીએ કહ્યું, “દલિતો પર અત્યાચાર વધ્યા છે. હિન્દુ હોવા છતાં માર ખાવા પડે તો હિન્દુ ધર્મમાં રહેવાનો શું અર્થ! અને એટલેજ હું રાજુ માંથી રફીક બની જઈશ. અમારી માંગ છે કે જયરાજ સિંહ જાડેજા પર ફરિયાદ દાખલ થાય અને ગીતાબાને ધારાસભ્ય પદેથી હટાવવામાં આવે. અમે અલટીમેન્ટ આપ્યું છે. 15 મી ઓગસ્ટ ગાંધીનગર આવેદન આપશું.”

ઉલ્લેખનીય છે કે આજથી 8 વર્ષ પહેલા ઉનાના મોટા સમઢીયાળા ગામે દલિતો પર કથિત ગૌરક્ષકો દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને આ મુદ્દો સમગ્ર દેશમાં ગુજ્યો હતો. જોકે, આજે 8 વર્ષ થવા છતાં જીગ્નેશ મેવાણી સહિત દલિત સમાજના લોકો અને આગેવાન પીડિત પરિવારના ઘરે પહોચ્યો હતા અને ગીર સોમનાથના ગીર ગઢડા ખાતે સંઘર્ષ સંમેલન યોજી દલિતો પર થતાં અત્યાચાર અને અન્યાયને લઈને ચર્ચાઓ કરી હતી.