October 5, 2024

ચાંદીપુરમ વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 5નાં મોત; રિપોર્ટ પર સૌની નજર

પાર્થ ભટ્ટ, સાબરકાંઠાઃ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરમ વાયરસનો કહેર દિન-પ્રતિદિન વ્યાપક થઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં આઠ જેટલા શંકાસ્પદ ચાંદીપુરમના કેસ દાખલ થઈ ચૂક્યા છે. તેમજ આઠ પૈકી પાંચ દર્દીઓનાં મોત થતા સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ભારે હડકંપ સર્જાયો છે. જો કે, પૂના લેબોરેટરીમાં મોકલાવેલા સેમ્પલના પરિણામ આજે જાહેર થશે. તેના પર સૌની નજર મંડાયેલી છે.

સમગ્ર દેશભરમાં 1956માં ચાંદીપુરમ નામના વાયરસનો કહેર ફેલાયો હતો. વર્ષો બાદ ફરી એકવાર ચાંદીપુરમ વાયરસના કેસને પગલે અત્યાર સુધીમાં ગુજરાતમાં 17 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ કેસના પગલે અત્યાર સુધીમાં આઠ કેસ નોંધાયા છે. તેમાંથી પાંચ દર્દીઓના મોત થતા સમગ્ર વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ સર્જાયો છે.

આ સાથે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવા માટે વહીવટી તંત્ર દ્વારા શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસનો કેસ નોંધાયો હતો. ત્યાંથી પાંચથી સાત કિલોમીટરના અંતરમાં હોગિંગ સહિતની પ્રક્રિયા અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે પ્રત્યેક સાઇટ ઉપર 25થી વધારે આરોગ્ય કર્મચારીઓ વિવિધ સફાઈ સહિત ચાંદીપુરમ કેસ માટે જવાબદાર જંતુને દૂર કરવા કામે લાગ્યા છે.

સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા આઠ શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસ મામલે પુનાની લેબોરેટરીમાં મોકલાયેલા સેમ્પલનું આજે નિર્ણય આવનારો છે. ત્યારે ચાંદીપુરમ કેસ મામલે સમગ્ર ગુજરાતની નજર સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલ પર મંડાયેલી છે. જો કે, શંકાસ્પદ ચાંદીપુરમ કેસ મામલે મોકલાયેલા સેમ્પલ કેટલા પોઝિટિવ કે નેગેટિવ આવે છે તે પણ મહત્વનું બની રહે છે.