September 20, 2024

ફરી વખત જોઇ શકશો ટીવી પર રામાનંદ સાગરની ‘રામાયણ’

રામાનંદ સાગરે વર્ષ 1987માં ટીવી શો ‘રામાયણ’ કરીને ભારતીય ટીવીનો ચહેરો બદલી નાખ્યો હતો. આ આઇકોનિક શો આજે પણ લોકોમાં ફેમસ છે. શોનું દરેક પાત્ર લોકોના મનમાં હજી પણ છે. શોમાં રામના રોલમાં જોવા મળેલા અરુણ ગોવિલ હોય કે પછી માતા સીતાના રોલમાં જોવા મળેલી દીપિકા ચિખલિયા હોય, તેમની ઈમેજ આજે પણ લોકોમાં અકબંધ છે. ભલે ‘રામાયણ’ ઘણા વર્ષો પહેલા ટેલિકાસ્ટ કરવામાં આવી હતી, પરંતુ આજે પણ આ શોને ચાહકો તરફથી એટલો પ્રેમ મળે છે જેટલો ભાગ્યે જ કોઈ નવા શોને મળે છે. રામાનંદ સાગર પોતે અને શોની ટીમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે વર્ષો પછી પણ લોકો તરફથી આટલો પ્રેમ મળશે. આવી સ્થિતિમાં ચાહકોના પ્રેમને જોતા શોના નિર્માતાઓએ ફરી એકવાર ‘રામાયણ’ને ટીવી પર ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

આ ચેનલ પર ‘રામાયણ’ ફરી પ્રસારિત થશે

ફરી એકવાર દૂરદર્શન ચેનલ પર ‘રામાયણ’ રજૂ થવા જઈ રહી છે. સત્તાવાર રીતે આ માહિતી આપતા, ટીવી ચેનલે તેના સોશિયલ મીડિયા પેજ પર જાહેરાત કરી છે. દૂરદર્શનના પેજ પરથી રામાયણની ક્લિપ શેર કરતી વખતે ટ્વિટ કરવામાં આવ્યું છે કે – ‘ધર્મ, પ્રેમ અને સમર્પણની અનોખી ગાથા… ફરી એકવાર સમગ્ર ભારતનો સૌથી લોકપ્રિય શો ‘રામાયણ’ આવી રહ્યો છે, જલ્દી જ જુઓ # DDNational પર .

‘રામાયણ’ની સ્ટાર કાસ્ટ

આ પોસ્ટ દૂરદર્શન દ્વારા કરવામાં આવી હોવાથી ચાહકોની ખુશી જોવા મળી રહી છે. આજે પણ ચાહકો ‘રામાયણ’ જોવા માટે પહેલા જેટલા જ ઉત્સાહિત હોય તેવું લાગે છે. જો કે, હાલમાં તેના ટેલિકાસ્ટની તારીખ જાહેર કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે રામાયણ મૂળ રૂપે 1987 થી 1988 દરમિયાન કુલ 78 એપિસોડ સાથે પ્રસારિત કરવામાં આવી હતી. જેમાં અરુણ ગોવિલ (શ્રી રામ), દારા સિંહ (મહાબલી હનુમાન), અરવિંદ ત્રિવેદી (લંકાપતિ રાવણ), દીપિકા ચિખલિયા (માતા સીતા), સુનીલ લહેરી (લક્ષ્મણ) જોવા મળ્યા હતા.