December 11, 2024

અમને તંત્ર-રાજ્ય સરકાર પર ભરોસો નથી, અધિકારીઓ ત્યાં જઈને શું કરતા હતા? :HC

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારનો અને તંત્રનો ઉધડો લીધો હતો. તેમણે કહ્યુ છે કે, હવે અમને સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર પર ભરોસો નથી.

હાઇકોર્ટે સરકારને આકરા સવાલ કર્યા છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે, શું તમે આંધળા થઈ ગયા હતા. 2.5 વર્ષથી ચાલતું હતું તો શું તમે ઊંઘી ગયા હતા. આ ઉપરાંત તેમણે કેટલાક અધિકારીઓ ગેમઝોન પર ગયા હતા તેની નોંધ લીધી હતી અને કહ્યુ હતુ કે, જે અધિકારીઓ ત્યાં ગયા હતા તે શું કરતા હતા?

હાઇકોર્ટે આકરા શબ્દોમાં સરકારની ઝાટકણી કાઢતા કહ્યુ હતુ કે, ‘અમને રાજ્યની મશીનરી ઉપર ભરોસો રહ્યો નથી, કોર્ટના નિર્દેશોના ચાર વર્ષ છતાં આવી ઘટનાઓ બને છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોર્ટે કહ્યું, તમને 18 મહિનાથી ચાલતા આ ગેમ ઝોન વિશે ખબર નહોતી? તમે આ કોર્ટના નિર્દેશોનું શું કર્યું? ઉદ્ઘાટનમાં RMC કમિશ્નર જાય છે! RMCએ TRP ગેમ ઝોન શરૂ કરતા કોર્ટે કહ્યું કે, TRPએ કોઈ પરમિશન ના લીધી પણ RMC ત્રણ વર્ષ શું કરતું હતું?

આ પણ વાંચોઃ Rajkot Game Zone Tragedy: વધુ એક આરોપી ભાગીદાર રાહુલ રાઠોડ ઝડપાયો

આ મામલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું કે, ‘TRPએ ફાયર NOC માટે તેમને અરજી કરી નહીં, અમદાવાદ અને વડોદરામાં ગેમ ઝોનમાં ફાયર NOC અપાઈ છે.’ ત્યારે બિજેશ ત્રિવેદીએ કહ્યું કે, દરેક બાબતમાં કોર્પોરેશન સમય માગતી હોય છે.’ હાઇકોર્ટે કહ્યુ કે, ‘અમદાવાદ અને અન્ય મ્યુનસિપાલ કોર્પોરેશનમાં શું છે? ઘટના બની એટલે તમે ગેમ ઝોન બંધ કરાવવા દોડ્યા! ચાર મોટા શહેરોના ગેમ ઝોન વિશે કોર્ટ સમક્ષ સ્ટેટસ મૂકાયું છે.’ ત્યારે અરજદાર અમિત પંચાલે કહ્યું કે, ક્યાં પ્રકારના બિલ્ડિંગમાં આ ગેમ ઝોન ચાલે છે તે માહિતી છે? આપણે માણસો છીએ સમાચાર સંસ્થાના અહેવાલોની અસર થાય જ છે.’

હાઇકોર્ટે RMCને કહ્યું કે, ‘આ ગેમ ઝોન ક્યારે કામ કરતો થયો? પરમિશન માગી નહીં પણ તમારી જવાબદારી તો હતી ને. ત્યારે કોર્ટને જણાવાયું કે, મોલ માટેની પરમિશનમાં લોકો ગેમ ઝોન ચલાવતા હોય છે.

આ પણ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડ મામલે 6 અધિકારીઓ સસ્પેન્ડ, SIT પૂછપરછ કરશે

હાઇકોર્ટ આ ઘટના બાદ આકરા પાણીએ છે. ત્યારે તેમણે કહ્યુ છે કે, ‘માલિકો સામે શું પગલા લીધા?’ તો સરકારે કહ્યું કે, ‘એકને પકડી લેવાયો છે.’ ત્યારે કોર્ટે કહ્યું કે, ‘બીજા ભાગી ગયા છે?’ સરકારે જવાબમાં કહ્યું કે, ‘તપાસ ચાલુ છે. જે આરોપી નથી પકડાયા તેમની સામે લૂકઆઉટ સર્ક્યુલર જાહેર કરાયો છે. 6 સસ્પેન્ડ કરાયેલ ઓફિસરોમાં TP, એન્જિનિયરિંગ અને પોલીસ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે.’

હાઇકોર્ટે આગળ કહ્યુ છે કે, કોર્ટના આદેશના ચાર વર્ષ વીત્યા હોવા છતાં ફાયર સેફ્ટી અંગે પગલાં લેવાયા નથી, તો RMC કમિશનર કેમ જવાબદાર નહીં? સુપ્રીમ કોર્ટ રૂલ ઓફ લોની વાત કરે છે, ફાયર NOC કે બીજી બાબતોની નહીં.