October 11, 2024

રાજકોટ AIIMSની ઢીલી કામગીરી સામે કોંગ્રેસનો વિરોધ

કોંગ્રેસ - NEWSCAPITAL

રાજકોટઃ કોંગ્રેસના નેતાઓ દ્વારા AIIMSની ઢીલી કામગીરી સામે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતાઓ વિરોધ કરવા AIIMS હોસ્પિટલ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી માસના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ AIIMS હોસ્પિટલમાં IPDનું ઉદ્ઘાટન કરવાના છે.

OPD જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ – ગાયત્રીબા વાઘેલા
AIIMSની કામગીરીને લઈને વિરુદ્ધ કરવા પહોંચેલા કોંગ્રેસ નેતાઓમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, ઉદ્ઘાટનના વાંકે સામાન્ય નાગરિકો આજે OPD જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. હોસ્પિટલમાં અનેક સાધનો હાલ બંધ અવસ્થામાં છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં રાજકોટ AIIMSનું ઉદ્ઘાટન કરવાના છે પણ આ બધુ જોતાં એવું લાગી રહ્યું છે કે, ઉદ્ઘાટનની તારીખમાં પણ હજુ ફેરફાર થશે. આજે પણ લોકો હોસ્પિટલમાં અનેક સુવિધાઓથી વંચિત છે. તેમણે કહ્યું કે, AIIMS સુધી પહોંચવાના રોડ રસ્તા અને રેલવે કનેક્ટિવિટીનો પણ અભાવ છે. સાથે જ તેમણે કહ્યું કે, તંત્ર આ બાબતે યોગ્ય નિરાકરણ નહી લાવે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે.કોંગ્રેસ - NEWSCAPITAL

વડાપ્રધાન નરેન્દ્ર મોદી AIIMS હોસ્પિટલની IPDનું ઉદ્ઘાટન કરશે
ઉલ્લેખનીય છે કે, આગામી 25 ફેબ્રુઆરીએ દ્વારકા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ જવાના છે, જ્યાં તેઓ AIIMS હોસ્પિટલની IPDનું ઉદ્ઘાટન કરવાના છે. સાથે જ અટલ સરોવર, સ્માર્ટ સીટી અને ઝનાના હોસ્પિટલનું પણ વડાપ્રધાન મોદી ઉદ્ધાટન કરવાના છે. રાજકોટના હાર્દ સમાન રેસકોર્ષ ગ્રાઉન્ડ પર જાહેરસભા પણ યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર અને શહેર ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.