March 19, 2025

રાજકોટમાં સાળા-બનેવીએ બે સગાભાઈઓની કરી હત્યા, બંને આરોપીની ધરપકડ

ઋષિ દવે, રાજકોટઃ

અમિત જૈન – મૃતક

રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા આર્યનગરમાં 10મી ફેબ્રુઆરીએ રાતે 9.30 વાગ્યા આસપાસ સરાજાહેર ખૂની ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. નજીવી બાબતે બોલાચાલી થતા સાળા છોટુ ઉર્ફે સંજય ગુપ્તા તેમજ બનેવી વિજય ગુપ્તા દ્વારા અમિત જૈન અને વિકી જૈન નામના ભાઈઓની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા ગણતરીના જ કલાકોમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરના વતની એવા છોટુ ઉર્ફે સંજય તેમજ વિજય ગુપ્તાની ધરપકડ કરી લેવામાં આવી છે.

એસીપી રાજેશ બારીયાના જણાવ્યા અનુસાર, આકાશ જૈનની પત્ની પિયર જતી રહી હોવાથી તે ગુસ્સામાં હતો. જેના કારણે તે બૂમાબૂમ પણ કરતો હતો. જેથી સોમવારના રોજ બપોરે વિજય અને આકાશને બોલાચાલી પણ થઈ હતી. ત્યારબાદ રાત્રિના આશરે 9:00 વાગ્યા આસપાસ અમિત જૈન કોમન ટોયલેટનો ઉપયોગ કરતો હતો. તે સમયે છોટુ ઉર્ફે સંજય ગુપ્તા દ્વારા ટોયલેટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ ઉગ્ર બોલાચાલી અમિત સાથે કરવામાં આવી હતી. તેમજ ઝપાઝપી પણ કરવામાં આવી હતી.

વિકી જૈન – મૃતક

આ સમયે છોટુ ઉર્ફે સંજય ગુપ્તાનો બનેવી વિજય ગુપ્તા પણ ત્યાં આવી પહોંચતા તે પણ અમિત જૈનને માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ છોટુ ઉર્ફે સંજય ગુપ્તા દ્વારા અમિતને છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. તેમજ અમિતને બચાવવા વચ્ચે પડનારા તેના ભાઈ વિકી જૈનને પણ છરીના ઘા ઝીંકવામાં આવતા બંને ભાઈઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલમાં બંને ભાઈઓને સારવાર અર્થે ખસેડવામાં આવતા તેમને મૃત જાહેર કર્યા હતા. આરોપી છોટુ ઉર્ફે સંજય તેમજ તેના બનેવી વિજય ગુપ્તા બંને ઇમિટેશનના મજૂરી કામકાજ સાથે સંકળાયેલા છે.

કેવી રીતે બનાવ બન્યો હતો?
મૃતક અમિતની 29 વર્ષીય પત્ની અમીના જૈન દ્વારા રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારા લગ્નને નવ વર્ષ જેટલો સમયગાળો થયો છે. લગ્નજીવન થકી મારે સાત વર્ષનો દીકરો તેમજ 11 માસની દીકરી છે. મારા પતિ તેમજ મારા દિયર બંને ચાંદી કામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. છેલ્લા એક મહિનાથી અમે ભાડે રહીએ છીએ. અમારા ચાર મકાન વચ્ચે માત્ર એક જ સંડાશ બાથરૂમ છે. 10 ફેબ્રુઆરી 2025ના રોજ મારા દિયર આકાશની પત્ની અનુ તેમને કંઈ પણ કહ્યા વગર જતી રહી હતી. જેથી મારા દિયર ખૂબ જ ગુસ્સામાં હતા. તેમજ ગુસ્સામાં તેઓ ઘરે જોર જોરથી રાડો પાડતા હતા. તે વખતે અમારી સામે રહેતા વિજય ગુપ્તાએ અમારી સાથે ઝઘડો કર્યો હતો અને કેમ તમારા ઘરમાંથી કેમ મોટે મોટે અવાજ આવે છે? તેમ કહી ધમકાવવા લાગ્યા હતા.

તેમજ રાત્રિના સમયે મારા પતિ અમિત પેશાબ કરવા માટે શૌચાલયમાં ગયા હતા. ત્યારે નીચેના માળે રહેતો છોટુ ઉર્ફે સમજી ગુપ્તા પણ શૌચાલય પાસે આવ્યો હતો. તેમજ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો હતો. તેમજ કહેવા લાગ્યો હતો કે, કોણ હરામી અંદર ગયેલ છે? તેમ કહી મન ફાવે તેમ મા-બહેન સામેની ગાળ બોલવા લાગ્યો હતો. ત્યારબાદ છોટુ ઉર્ફે સંજય અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને મારા પતિને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ મારા દિયર વિક્કી અને મારા દિયર આકાશ પણ પતિને બચાવવા માટે દોડી આવ્યા હતા.

તે સમયે છોટુ ઉર્ફે સંજય દ્વારા છરી વડે અમિત અને વીકીને પેટના ભાગે તેમજ પગના ભાગે આડેધડ મારી દીધા હતા. જેથી લોહીલુહાણ હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મારા પતિ અમિત જૈન અને દિયર વિકી જૈનને મૃત જાહેર કર્યા હતા. ત્યારે હાલ તો પોલીસે ગુનાના કામે વાપરવામાં આવેલા તીક્ષ્ણ હથિયાર કબ્જે કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.