રાજકોટમાં 1100 કરોડના ખર્ચે બનેલી AIIMSનું PM મોદીના હસ્તે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એઇમ્સનું લોકાર્પણ કર્યું
રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટના પરા પીપળીયા પાસે 1195 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં તેમણે એઈમ્સમાં આઈ.પી.ડી.નું નિરીક્ષણ કર્યું હતું. તેમજ અહીં ઉપલબ્ધ વિવિધ મેડિકલ સારવાર સુવિધાઓ અને વ્યવસ્થાઓ નિહાળી વિગતવાર જાણકારી મેળવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બપોરે દ્વારકાથી હવાઈમાર્ગે રાજકોટ એઈમ્સ આવ્યા હતા અને રિબિન કાપીને લોકાર્પણ કર્યુ હતુ. પીએમ મોદીએ એઈમ્સ હોસ્પિટલના ભવિષ્યના વિકાસની બ્લૂપ્રિન્ટ એવા મોડેલનું અને ગુજરાતની ભાતિગળ સંસ્કૃતિની તેમજ ભારતની પ્રાચીન ચિકિત્સા પરંપરાથી લઈને જીનેટિક ટેકનોલોજી સુધીની સફરની ઝાંખી કરાવતી ટેપેસ્ટ્રીનું નિરીક્ષણ કર્યું હતુ. આ સાથે હોસ્પિટલના વિવિધ વિભાગો, ઓપરેશન થિયેટર તેમજ આઈ.પી. ડી.ની મુલાકાત લઈને વિવિધ વ્યવસ્થાનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હતુ. એઈમ્સ એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર ડો. સી.ડી.એસ કટોચે વડાપ્રધાનને એઈમ્સના વિવિધ વિભાગોની જાણકારી આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, રાજ્યના મુખ્ચ સચિવ રાજકુમાર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવ અપૂર્વા ચંદ્રા, નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટર રેમ્યા મોહન, રાજકોટ એઈમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર પુનિત અરોરા વગેરે સાથે જોડાયા હતા.
રાજકોટની ભાગોળે ખંઢેરી ગામમાં 201 એકરની વિશાળ જગ્યામાં 1195 કરોડ રૂપિયાના ખર્ચે આ એઈમ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને સાવ નજીવા ખર્ચે મલ્ટી-સ્પેશિયાલિટી સારવાર મળી રહેશે. કુલ 720 બેડની આ હોસ્પિટલમાં મેજર સુપર સ્પેશિયાલિટી ફેસિલિટીઝ, આઈ.સી.યુ. સહિતની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં 20 મેજર તથા 3 માઈનોર મળીને કુલ 23 અદ્યતન ઓપરેશન થિયેટરની સુવિધા રહેશે.

આ એઈમ્સમાં વર્ષ 2021ના ડિસેમ્બર મહિનાથી 14 મલ્ટી સ્પેશિયાલિટી વિભાગો સાથેનો આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓ.પી.ડી.) કાર્યરત થઈ ગયો છે. દરરોજ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી ઓ.પી.ડી. ચાલી રહી છે, જેમાં સરેરાશ 400થી 500 દર્દીઓની સારવાર કરવામાં આવે છે. દર્દીઓને જરૂરી દવા પણ અહીંથી જ આપવામાં આવે છે. ઓ.પી.ડી.ના દર્દીઓ માટે આભા કાર્ડ પણ બનાવવામાં આવી રહ્યા છે. ફેબ્રુઆરીના આરંભ સુધીમાં 1.44 લાખ દર્દીઓ ઓ.પી.ડી. સેવાનો લાભ લઈ ચૂક્યા છે.
આ એઈમ્સમાં 24 ફેબ્રુઆરી 2022થી ટેલિમેડિસિન સેવા (ઈ-સંજીવની) સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ચૂકી છે. રોજના સરેરાશ 132 વ્યક્તિને ટેલિફોનથી દવા-ઉપચાર અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 70 હજાર કરતાં લોકોએ ટેલિ-મેડિસિન સેવાનો લાભ લીધો છે. લોકાર્પણ સાથે રાજકોટ એઈમ્સમાં 250 બેડની ક્ષમતા સાથેનો ઈનડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ – (આઈ.પી.ડી.) શરૂ થયો છે, જ્યાં હોસ્પિટલમાં ભરતી કરનાની જરૂરિયાતવાળા દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ સાથે 30 બેડનો આયુષ બ્લોક પણ દર્દીઓની સારવાર માટે શરૂ કરવામાં આવ્યો છે.
આઈ.પી.ડી.માં ઈમર્જન્સી અને ટ્રોમાની સ્થિતિમાં ઉત્તમ સારવાર વિના વિલંબે મળી રહે તે માટે 35 બેડની સુવિધા ઉપલબ્ધ છે. જ્યાં મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે ઓર્થોપેડિક, જનરલ સર્જરી, ઓબસ્ટ્રક્ટ અને ગાયનેકોલેજી, ઈ.એન.ટી., ઓપ્થેલ્મોલોજી અને ડેન્ટલ સર્જરીની સેવાઓ ઉપલબ્ધ છે.