November 8, 2024

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ, ખેરગામમાં સૌથી વધું 9 ઈંચ વરસાદ

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એવામાં દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ થઈ રહ્યું છે. અહીં ધોધમાર વરસાદને પગલે અંબિકા, કાવેરી નદીઓ પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ત્યાં જ કેટલાક ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પડેલા વરસદાના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યના 19 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ અને રાજ્યના 123 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમા સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે વલસાડ અને નવસારીમાં જનજીવનને ભારે અસર પહોંચી છે. ત્યાં જ સૌથી વધુ ખેરગામમાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે રોડ-રસ્તા પર પાણી ભારાય ગયા છે. જોકે છેલ્લા 24 કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદ બાદ વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાની તમામ શાળા, કોલેજો, ITI, આંગળવાડીઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ X પર માહિતી આપી છે. સોશિયલ મીડીયા મારફતે વલસાડ વહીવટી તંત્રએ લોકોને જાણકારી આપી હતી. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો: સેમિફાઇનલ પહેલા ભારતીય હોકી ટીમને ઝટકો, આ ખેલાડી પર એક મેચનો પ્રતિબંધ

વરસાદી આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં સવા 7 ઈંચ, વલસાડમાં 7 ઈંચ વરસાદ, ડાંગ – આહવામાં સવા 6 ઈંચ, કપરાડામાં સવા 6 ઈંચ વરસાદ, ચીખલીમાં સવા 6 ઈંચ, વાસંદામાં પોણા 6 ઈંચ વરસાદ, વધેલમાં પોણા 6 ઈંચ, પારડીમાં સવા 5 ઈંચ વરસાદ, વાપીમાં સાડા 4 ઈંચ, સુબિરમાં સાડા 4 ઈંચ વરસાદ, ડોલવણમાં સાડા 4 ઈંચ, ગણદેવીમાં અઢી ઈંચ, તિલકવાડા સવા 2 ઈંચ, ઉમરગામમાં 2 ઈંચ વરસાદ, કરજણમાં પોણા 2 ઈંચ, સિનોરમાં દોઢ ઈંચ વરસાદ, નસવાડીમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.