October 14, 2024

કંચનજંગા એક્સપ્રેસ દુર્ઘટના પાછળના ત્રણ મુખ્ય કારણોનો રેલવેના રિપોર્ટમાં ખુલાસો

Kanchanjunga Express Accident: પશ્ચિમ બંગાળના દાર્જીલિંગ જિલ્લાના ફાંસીદેવા વિસ્તારમાં ગત 17 જૂનના રોજ સર્જાયેલ કંચનજંગા એક્સપ્રેસ દુર્ઘટના પાછળના ત્રણ મુખ્ય કારણોનો ખુલાસો થયો છે. રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટને જોતાં એમ લાગે છે કે દુર્ઘટના સર્જાય તેની રાહ જોવામાં આવી રહી હતી. રેલવે સુરક્ષા કમિશનરે જણાવ્યું છે કે ઓટોમેટિક સિગ્નલિંગની નિષ્ફળતા બાદ લોકો પાયલોટ અને સ્ટેશન માસ્ટરની સૂચનાઓનું પાલન કરવામાં ન આવ્યું. ઉપરાંત અધિકારીઓએ પણ બેદરકારી દાખવી હતી. રેલવે સુરક્ષા કમિશનરે ટ્રેનોમાં ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ (કવચ) લગાવવાની ભલામણ કરી છે.

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં 17 જૂનના રોજ એક માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. મૃતકોમાં પેસેન્જર ટ્રેનનો ગાર્ડ અને ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. દુર્ઘટનાની તપાસ દરમિયાન, કમિશનર ઓફ રેલ્વે સેફ્ટી (CRS) એ સ્વીકાર્યું કે ત્રણ સ્તરે ઘોર બેદરકારી સામે આવી હતી. પહેલું કારણ એ હતું કે સિગ્નલ ક્ષતિગ્રસ્ત હોવા છતાં, ગુડ્સ ટ્રેન અને કંચનજંગા એક્સપ્રેસ સિવાય, સેકશનમાં અન્ય પાંચ ટ્રેનો પણ પ્રવેશી હતી. તો, કંચનજંગા એક્સપ્રેસના લોકો પાયલોટ સિવાય, કોઈપણ ટ્રેનના લોકો પાયલટે સિગ્નલ ફેલ થવા અને ખરાબ સિગ્નલ પર રોકાવાના સમયે 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવાના રેલવે નિયમનું પાલન કર્યું ન હતું.

બીજું કારણ એ પણ સામે આવ્યું છે કે ખરાબ સિગ્નલને લઈને માલગાડીના ચાલકને જે T/A 912 ફોર્મ આપવામાં આવ્યું હતું તેમાં સ્પીડનો કોઈ જ ઉલ્લેખ ન હતો. ત્રીજું કારણ માનવામાં આવે છે કે ઓટોમેટિક સિગ્નલ ફેલ થયા બાદ અધિકારીઓએ સેકશન બ્લોક ન આપ્યું. આ નિયમ હેઠળ બે સ્ટેશનો વચ્ચે એક ટ્રેન દોડતી હોય છે અને જ્યાં સુધી આગળની ટ્રેન નેક્સ્ટ સ્ટેશન ક્રોસ ન કરી લે ત્યાં સુધી બીજી ટ્રેનને પહેલા સ્ટેશન પર એન્ટ્રી નથી આપવામાં આવતી.

CRSએ રિપોર્ટમાં જણાવ્યું છે કે જે ઝોનમાં આ દુર્ઘટના સર્જાઇ હતી ત્યાં વોકી-ટોકી ઓછા હતા. માલગાડીના લોકો પાયલોટ પાસે સુરક્ષા ઉપકરણો ન હતા. જેમાં કટિહાર વિભાગના અધિકારીઓની બેદરકારી પણ સામે આવી છે. કારણ કે સિગ્નલ ફેલ થયાની માહિતી મળ્યા બાદ પણ કોઈ અધિકારી કંટ્રોલ રૂમમાં ખામી સુધારવા ગયા ન હતા. CRSએ કહ્યું કે અધૂરી માહિતી અને યોગ્ય આદેશોનું પાલન કરવામાં ન આવ્યું. એવું લાગે છે કે દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યા હતા.

સિગ્નલ ફેલ થવું ચિંતાનું કારણ, સુધારાની જરૂર
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ઓટોમેટિક સિગ્નલ ફેલ્યોર ચિંતાનું કારણ છે. આ સિસ્ટમમાં સુધારાની જરૂર છે. તેમણે કહ્યું કે 1 એપ્રિલ, 2019 થી 31 માર્ચ, 2024 સુધી જોખમમાં સિગ્નલ પાર કરવાની 208 ઘટનાઓ સામે આવી છે. આ દુર્ઘટનાઓ માંથી 12 દુર્ઘટનાઓ ટ્રેનો વચ્ચે ટક્કરની છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે કવચ સિસ્ટમને અમલમાં મૂકવાની સખત જરૂરિયાત છે. રેડ સિગ્નલ હોય ત્યારે લોકો પાયલોટને ચેતવણી આપવા માટે જીપીએસ આધારિત નોન સિગ્નલિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમને મજબૂત બનાવવી જોઈએ.