October 7, 2024

‘મે જે ખેડૂતોને બોલાવ્યા હતા તેમને સંસદમાં પ્રવેશ જ ન અપાયો’: રાહુલ ગાંધીનો આરોપ

દિલ્હી: આજે સંસદ બહાર મોટા પ્રમાણમાં હોબાળો જોવા મળ્યો. વાસ્તવમાં, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂત નેતાઓને સંસદમાં પોતાના કાર્યાલયમાં મળવા માટે બોલાવ્યા હતા. પરંતુ બબાલ ત્યારે સર્જાઇ જ્યારે ખેડૂતોને સંસદમાં પ્રવેશ જ ન કરવા દેવામાં આવ્યો. જોકે, ભારે હંગામા અને વિરોધ બાદ ખેડૂત નેતાઓના 12 સભ્યોના પ્રતિનિધિ મંડળને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા દેવામાં આવ્યા.

રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ
મુલાકાતના થોડા સમય પહેલા રાહુલે ખેડૂતોને સંસદમાં પ્રવેશવા ન દેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પત્રકારોને કહ્યું, ‘અમે ખેડૂત નેતાઓને અહીં મળવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેઓ તેમને સંસદમાં નથી આવવા દેતા. કારણ કે તેઓ ખેડૂતો છે, કદાચ એટલે જ તેમને અંદર નથી આવવા દેતા.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું, ‘આ સમસ્યા છે. પણ આપણે શું કરવું જોઈએ? આ તકનીકી સમસ્યા પણ હોઈ શકે છે. જોકે થોડા સમય બાદ ખેડૂતોને અંદર જવા દેવામાં આવ્યા હતા. જાણકારી મુજબ, ખેડૂતોના પ્રતિનિધિમંડળે રાહુલ ગાંધી સમક્ષ પ્રાઈવેટ મેમ્બર બિલ લાવવાનો મામલો રજૂઆત કરી છે.

બેઠકમાં આ લોકો પણ રહ્યા હાજર
કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય)ના નેજા હેઠળ દેશભરના 12 ખેડૂત નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાહુલ ગાંધીને મળ્યું. આ બેઠક દરમિયાન કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલ, અમરિંદર સિંહ રાજા વારિંગ, સુખજિંદર સિંહ રંધાવા, ગુરજીત સિંહ ઔજલા, ધરમવીર ગાંધી, ડૉ. અમર સિંહ, દીપેન્દ્ર સિંહ હુડ્ડા અને જય પ્રકાશ પણ હાજર હતા.