October 6, 2024

‘દારૂબંધી માત્ર કાગળ પર’, વિધાનસભામાં AAPના ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે નશાબંધી સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું. આ બિલને લઈને આમ આદમી પાર્ટી દ્વારા સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા છે. આમ આદમીના ધારાસભ્ય હેમંત ખાવાએ ગુજરાતમાં દારૂબંધી સહિત અનેક મુદ્દાઓને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા.

ધારાસભ્ય હેમંત ખાવાએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. પરતું આ કાયદો માત્ર કાગળ પર અમલમાં છે. સરકાર લોકોને દારૂની પરમીટ આપી રહી છે. દારૂની પરમીટ મેળવવા માટે 25 હજાર રૂપિયાની આવક મર્યાદા રાખવામાં આવી છે. એટલું જ નહિ, દારૂ પરમીટના નિયમમાં પણ વિસંગતતા જોવા મળી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગૃહ મંજૂરી આપે તો આમ આદમી પાર્ટી દારૂબંધીના નિયમો પર પ્રાઇવેટ બિલ લાવવા તૈયાર છે.

હેમંત ખાવાએ વધુમાં જણાવ્યું હતું કે જેમ ફૂડ ડિલિવરી સેવાઓ ઝોમેટો અને સ્વીગી લોકોને ઘરે આવીને ભોજન આપી જાય છે તેમ હવે બુટલેગરો પણ દારૂની હોમ ડિલિવરી કરી રહ્યા છે. જામનગર જિલ્લામાં દર મહિને એક ટ્રક દારૂની ઝડપાય છે. દારૂની ટ્રકો બોર્ડરથી ગુજરાતના ગામડાઓ સુધી પહોંચી રહી છે. વધુમાં હેમંત ખાવાએ રાજ્યમાં વધી રહેલા ડ્રગ્સની ઘૂસણખોરીને લઈને પણ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 2004થી 2014 સુધીમાં ગુજરાતમાંથી કુલ 10 કરોડ યુનિટ ડ્રગ્સ પકડાયું છે. જ્યારે, હવે 2014થી 2022 સુધીમાં રાજ્યમાં કુલ 97 કરોડનું 24 કરોડના યુનિટ ડ્રગ્સ ઝડપાયું છે.

ગુજરાત રાજ્યમાં હાલ જે ડ્રગ્સ પકડાય છે તે મોટા ભાગે બિનવારસી હાલતમાં મળી આવે છે. તેમણે સવાલ કર્યો હતો કે ગુજરાતનો દરિયાકાંઠો સુરક્ષિત હોય તો ડ્રગ્સ કેવી રીતે બંદરો પર આવી રહ્યું છે? ઇન્ટરનેશનલ બોર્ડર પરથી મોટી શીપમાંથી નાની નાવડીમાં ડ્રગ્સ આવે છે. પરંતુ, સરકારે મોટી શિપને ઝડપીને તે શિપ કોની માલિકી છે તેના વિરુદ્ધ તપાસ કરવી જોઈએ. જોકે સરકાર આમ કરવાને બદલે નાની નાવડી વાળાને પકડીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરે છે.

આ પણ વાંચો: દિલ્હી AIIMSના રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી, SCની અપીલ બાદ લેવાયો નિર્ણય