September 11, 2024

દૂષણ સામે મિશન દેવી

Prime 9 With Jigar: ભારતમાં ઘણા વિસ્તારોમાં કોઈ મહિલાને ડાકણ માનીને હત્યા કરી દેવાય કે અત્યાચાર કરાય એવી ઘટનાઓ વિશે આપણે સાંભળીએ જ છીએ. ગુજરાતમાં પણ આવી ઘટનાઓ બને જ છે. ડાંગ જિલ્લા પોલીસે એક પહેલ કરી હતી. ગુજરાત સરકારે જેમના પર ડાકણનું લેબલ લગાવવામાં આવ્યું છે એવી આદિવાસી મહિલાઓનું પુનર્વસન અને રક્ષણ કરવા માટે પ્રોજેક્ટ દેવી હાથ ધર્યો હતો.

ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયાએ વિશેષ પ્રયાસો કર્યા. તેમણે એક પહેલ કરીને કોઈ મહિલાને ડાકણ જાહેર કરીને તેના પર અત્યાચાર ગુજારાય એ પહેલાં જ પોલીસ સક્રિય થાય અને આવી ઘટના બને જ નહીં એ માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક સુનિલ પાટિલ અને તેમની ટીમ, તથા પોલીસની ‘SHE ટીમ’ એ વિશેષ વ્યૂહરચના સાથે ડાંગમાંથી ‘ડાકણ પ્રથા’ ને દેશવટો આપવા કમર કસી હતી.

જાગૃત્તિ માટે વિશેષ પ્રયાસ

  • પોલીસ દ્વારા ઘરે ઘરે ફરીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ
  • ડાંગ જિલ્લામાં પોલીસની બિરદાવવાલાયક કહાની
  • ભોગ બનેલી 160 જેટલી મહિલાઓને કુપ્રથામાંથી મુક્તિ અપાવી
  • પરિવાર અને સમાજમાં તેમનું પુનઃસ્થાપન કરાવ્યું
  • મહિલાઓને ઓળખ દસ્તાવેજો અપાયા
  • નળના પાણીના જોડાણો અને આયુષ્માન કાર્ડ્સનો લાભ
  • અનેક સરકારી યોજનાના લાભો પણ અપાચા

આ મહિલાઓની ડાંગ પોલીસની ‘SHE ટીમ’ દ્વારા નિયમિતપણે મુલાકાત લેવાય છે અને તેમના ખબરઅંતર પૂછીને તેમને તકલીફ તો નથી ને તેની ખાતરી કરાય છે. એટલું જ નહીં પણ ગ્રામજનોને પણ સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. ડાંગ પોલીસની આ પહેલને બિરદાવીને હમણાં સ્કોચ ગ્રુપ દ્વારા ડાગ પોલીસનું SKOCH એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. SKOCH એવોર્ડ SKOCH ગ્રૂપ દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ છે. 1997માં સમીર કોચરે સ્થાપેલું SKOCH ગ્રુપ વિવિધ ક્ષેત્રે કન્સલટિંગનું કામ કરે છે અને શાસન ક્ષેત્રે સારી કામગીરી બજાવનારી સંસ્થાઓને SKOCH એવોર્ડ આપે છે. આ વખતે ડાંગ પોલીસને પ્રોજેક્ટ દેવી માટે SKOCH એવોર્ડ મળ્યો છે.

“પ્રોજેક્ટ દેવી” કાર્યક્રમ હેઠળ ડાંગ જિલ્લામાં ઘણા જૂના સમયથી ચાલી આવતી કુપ્રથાને નાબૂદ કરી,‌ પીડિત મહિલાઓનું સમાજમાં પુન:સ્થાપન કરી, એક સન્માનજનક નવજીવન પ્રદાન કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે ડાંગ પોલીસનું SKOCH એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું. આવી અનોખી પહેલ થકી સમાજમાં વિશ્વાસ અને સુરક્ષાનો સંદેશ પ્રસરાવવા બદલ ડાંગ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન.
હર્ષ સંઘવી, રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી

ડાંગ પોલીસની ઝુંબેશ ખરેખર બિરદાવવાલાયક છે. કેમ કે પોલીસ કાયદો અને વ્યવસ્થા સાચવવાની જવાબદારીની સાથે સામાજિક પરિવર્તનમાં પણ યોગદાન આપી રહી છે.

કુપ્રથા વિરુદ્ધ લડાઈ

  • ડાકણ હોવાનો વહેમ રાખીને અત્યાચાર કરાય
  • મહિલાઓમાં 60 ટકાથી વધુ પીડિતો વિધવાઓ
  • પીડિત મહિલાઓ, તેમના પરિવાર અને ગ્રામજનોનો સાથ
  • અંધશ્રદ્ધા દૂર કરવાની કોશિશ
  • મહિલાઓને ડાકણ ગણાવે છે તાંત્રિકો અને ભુવાઓ
  • તાંત્રિકો અને ભુવાઓ સામે કાનૂની કાર્યવાહીની ચીમકી
  • પોલીસનો અભિગમ ડર બતાવવાનો નહીં
  • લોકોનાં માનસમાં પરિવર્તન લાવવાનો અભિગમ

આ અભિયાનના ભાગરૂપે પોલીસ દ્વારા સાર્વજનિક નવરાત્રી મહોત્સવમાં “ડાકણ પ્રથા” નાબૂદી કાર્યક્રમ યોજાય છે.

ગરબા દ્વારા જાગૃત્તિ

  • જેમને ડાકણ ગણાવાઈ હતી એવી 60થી વધુ મહિલાઓને હાજર કરાઈ
  • નવરાત્રી મહોત્સવમાં આ મહિલાઓને હિંમતભેર ઉપસ્થિત રહેવા જણાવાયું
  • પોલીસ વિભાગે તેમનું સન્માન કર્યું
  • આહવા પોલીસ પરિવાર દ્વારા આયોજિત સાર્વજનિક ગરબા ઉત્સવમાં બદલાવ
  • ડાકણ પ્રથા જેવા કુરિવાજો દૂર કરવા માટે ડાંગના લોકોએ શપથ પણ લીધા

ડાંગ પોલીસ વિભાગના અધિકારીઓ , ડાંગ જિલ્લાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી અને જિલ્લાના આગેવાનોની હાજરીમાં લેવાયેલા શપથની એ અસર પડી છે કે, મહિલાઓ હવે સામેથી પોતાને ડાકણ ગણાવીને અત્યાચાર કરાય તેની ફરિયાદ કરે છે. ડાંગ જીલ્લામાં જ 154 જેટલી પીડિત મહિલાઓ તરફથી પોલીસને અરજી અને ફરિયાદો મળી છે અને પોલીસ આ તમામ મહિલાઓને પાછી સમાજમાં ગૌરવભેર જીવતી કરી છે. સામાન્ય રીતે મહિલાઓ પર ડાકણ હોવાનો વહેમ રાખી થઇ રહેલા અત્યાચાર રોકવાની જવાબદારી મહિલા પંચની હોય છે.

મહિલા પંચ નિષ્ક્રિય

  • ગુજરાતમાં આ મામલે મહિલા પંચ સાવ નિષ્ક્રિય
  • મહિલા પંચે હાથ ખંખેરી નાંખ્યા
  • ઘટનાઓ બનવાનું કારણ સાક્ષરતાનો અભાવ
  • લોકોની માનસિકતા બદલી શકાય એમ નથી
  • મહિલા પંચનું વલણ આઘાતજનક
  • ડાંગ પોલીસ ભજવે છે સામાજિક જવાબદારી

કોઈ સ્ત્રીને ડાકણ કહીને તેની સાથેનો સંપર્ક કાપી નાખવો અને એ પછી પણ તેને પરેશાન કરવી એ સામાજિક વિકૃત્તિ છે પણ ગુજરાતમાં આ સામાજિક વિકૃત્તિ અસ્તિત્વમાં છે એ સ્વીકારવું પડે. આ સામાજિક વિકૃત્તિના કારણે ડાકણ મનાતી સ્ત્રી પર પાશવી અત્યાચારો અને એવા ગંભીર અપરાધો કરાય છે કે જેની વાત સાંભળીને થથરી જવાય. છેલ્લાં કેટલાંક વરસોમાં બનેલા કેટલાક કિસ્સા પર નજર નાંખશો તો આ વાત સમજાશે.

પુત્રે કરી માતાની હત્યા

  • અરવલ્લીના એક ગામડામાં આઘાતજનક ઘટના
  • સગા પુત્રને માતા ડાકણ હોવાનો વહેમ
  • તીક્ષ્ણ ધા મારી માની હત્યા કરી દીધી
  • મૃતક નંદુબેનનો નાનો દીકરો લક્ષ્મણ હત્યારો નીકળ્યો
  • માતા ડાકણ હોવાની અંઘશ્રદ્ધા રાખી
  • જાનથી મારી નાંખવાની ઘમકી આપતો
  • એક દિવસ લક્ષ્મણ બીમાર પડી ગયો
  • માતા ડાકણ હોવાથી બીમાર પડી ગયો હોવાનો વહેમ
  • નંદુબેનને લક્ષ્મણે તિક્ષ્ણ ધા મારી હત્યા કરી

અંધશ્રદ્ધા માણસને હેવાન બનાવી શકે છે. આવા આઘાતજનક અનેક કિસ્સા બન્યા છે.

ડાકણ માનીને હત્યા

  • છોટાઉદેપુરના ખોવાણિયામાં ગયા વર્ષે બની હતી ઘટના
  • એક વિઘવા વૃદ્ધાને ડાકણ સમજી લેવાઈ
  • ગામના જ સાત જેટલા લોકોએ હુમલો કર્યો
  • તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી
  • કપૂરીબેન નામની વિઘવા મહિલાની હત્યા
  • ગામમાં પ્રસરી હતી બીમારી
  • બીમારીથી લોકોના મોતનું કારણ આ વિધવા હોવાનું માની લેવાયું
  • અંઘશ્રદ્ધાના કારણે ગામના ભુવાઓ પણ આ મહિલાને ડાકણ ગણાવતા
  • કપૂરીબેનના પરિવારજનો મજૂરી કરવા સૌરાષ્ટ્ર ગયા
  • એકલા રહેતાં કપૂરીબેનની હત્યા કરી નંખાઈ

ડાકણ માનીને માર મરાયો

  • 2023માં જ અરવલ્લીના ભિલોડા પાસેનાં નાનકડા ગામ ગઢીયાની ઘટના
  • સંગીતા ભગોરાને ડાકણ માનીને ક્રૂરતાથી માર મરાયો
  • સંગીતાને એક દીકરો અને બે દીકરી
  • સંગીતા સિવાયનાં પરિવારનાં લગભગ તમામ સભ્યો ભણેલાં
  • સંગીતા અને તેના સસરાની તબિયત સારી રહેતી નહોતી
  • લોકો તેમને ડાકણ કહેતા હતા
  • થોડા સમય પછી દીકરો અવતર્યો
  • લોકો સારી રીતે બોલાવવાં લાગ્યાં
  • દીકરાને ટીબી થયો એટલે ઘરના લોકો ફરી ડાકણ કહેવા લાગ્યા
  • સગીતાને ડાકણ ગણાવીને માર મરાયો

બીજી ઘટનામાં દાહોદ નજીકના ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામે એક મહિલા ડાકણ હોવાનો વહેમ રાખીને તેમના જ કુટુંબના 25 થી ૩0 લોકોએ હુમલો કર્યો હતો અને દંપતિને ઘરમાં પૂરીને આગ લગાડી દીધી હતી. આ તો હત્યા કે અમાનવીય અત્યાચારોની વાત કરી, બાકી આદિવાસી વિસ્તારમાં અંધશ્રદ્ધા એ હદે છે કે. કોઈ મહિલાના ઘરમાં કોઈ બીમાર પડે તો તેના માટે ઘરની સ્ત્રીને જ જવાબદાર ગણવામાં આવે છે. મહિલાને ‘ડાકણ’ ગણીને માર મારવામાં આવે છે. મહિલાને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવામાં આવે છે. આ રીતે શરમજનક સ્થિતિમાં મૂકવાથી ડાકણ ભાગી જશે એવી માન્યતા છે. ભારતમાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આદિવાસીઓની વસતી નોંધપાત્ર છે. આ પૈકી કોઈ આદિવાસી સમુદાય એવો નથી કે જે ડાકણ પ્રથાને વખોડતો હોય અને હવે પછી કોઈ સ્ત્રીને ડાકણ નહીં માનવામાં આવે એવા પ્રણ લેતો હોય.

ખોટી માન્યતાઓ જવાબદાર

  • ગુજરાતમાં આદિવાસીઓમાં અંધશ્રદ્ધા વધારે પ્રમાણમાં
  • આ વિકૃત્તિનું કારણ આદિવાસી સમાજની ગેરમાન્યતાઓ
  • આદિવાસીઓ અનુસાર તેમને પિતૃઓ તરફથી લાભ કે નુકસાન થાય
  • જેનું પ્રતિબિંબ સ્ત્રીનાં પગલાંમાં પડે
  • ઘરમાં કોઈ સ્ત્રીનાં આગમનથી સારું થાય તો આશીર્વાદ ગણાય
  • ખરાબ થાય તો ભૂત ડાકણ જેવી અતૃપ્ત આત્મા આવી હોવાનું મનાય
  • શિક્ષણનું પ્રમાણ વધ્યા પછી પણ આવી માન્યતા
  • આ કારણે ડાકણ મનાતી સ્ત્રીનો સામાજિક બહિષ્કાર કરાય
  • એકાદ પરિવાર નહીં, આખું ગામ આ બહિષ્કારમાં જોડાય
  • આદિવાસીઓમાં માન્યતા કે ડાકણની સાથે રહેવાય નહીં
  • મોટા ભાગના કિસ્સામાં મહિલાઓને શારિરીક ઈજાઓ થાય

ઘણી વખત સ્ત્રીને એ હદે પરેશાન કરવામાં આવે છે કે, કંટાળીને સ્ત્રી પોતે આત્મહત્યાનું પગલુ લઇ જીવનનો અંત લાવી દેતી હોય છે. શિક્ષણ વધવાથી આદિવાસીઓમાં મહિલાઓને ડાકણમાં ખપાવવાનું વલણ થોડું ઓછું થયું છે પરંતુ હજુ બંધ નથી થયું.” ઘણી વાર ઘરેલું ઝગડામાં પણ સ્ત્રીઓ પોતાના ના ગમતી પરિવારની મહિલાને ડાકણમાં ખપાવી દે છે. સાસુ વહુનાં ઝઘડામાં વિધવા સાસુને કે દેરાણી-જેઠાણીના ઝગડામાં કોઈને ડાકણમાં ખપાવી દઈ તેમનો સામાજિક બહિષ્કાર કરવાના કિસ્સા પણ નોંધાય છે. ગામમાં એકબીજા સાથે ના બનતું હોય એવા કિસ્સામાં પણ કોઈને ડાકણ ગણાવીને તેનો કાંટો કાઢી નાંખવાની ગંદી રમત રમાય છે.

મહિલાઓ પર અત્યાચારો

  • અંધશ્રદ્ધાને ફેલાવવામાં ભુવાઓ જવાબદાર
  • દેવી-દેવતા, ભૂત-પ્રેત, ભગત-ભુવામાં ખૂબ માન્યતા
  • લાંબી માંદગી કે કુટુંબમાં આર્થિક સંકટમાં ભુવા પાસે જવાય
  • પુરુષો માટે આ સામાન્ય પ્રથા
  • ભુવા પાસે એનું કોઈ નિવારણ ના હોય
  • ભુવો પરિવારની એક મહિલાને ડાકણ જાહેર કરે
  • પરિવારજનો પણ આ વાત માની લે
  • પરિવારના સભ્યો દ્વારા, આ મહિલાઓને માર મરાય
  • પરિવારના સભ્યો તેમને તરછોડી દેવાય
  • તેમને ખાવાનું પણ આપવામાં આવતું નથી
  • તેમને ઘરમાં જ પલંગ નીચે સૂવાની ફરજ પણ પડાય

મનોચિકિત્સકોના મતે, આ પ્રકારની પ્રથા સામાન્ય ગુજરાતીઓમાં નથી પરંતુ ગુજરાતમાં વસતા આદિવાસી પ્રજાના લોકોમાં છે. તેનું કારણ એ છે કે આદિવાસીઓ આજે પણ ભુવાઓમાં માને છે અને તેમના બકવાસને સાચો માને છે. શિક્ષણનાં અભાવે અને વ્યાપક સામાજિક મનોરોગના કારણે આવી ઘટનાઓ આજે પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં આટલી હદે સમાજમાં અંધશ્રદ્ધા વ્યાપી ગઈ છે. કોમ્પ્યુટર યુગમાં આવી ઘટનાઓ બને એ બહું ગંભીર છે અને એનું કારણ શિક્ષણ તથા વિકાસનો અભાવ છે. સરકાર સમાજના આ લોકો સુધી પહોંચી શકી નથી ને તેમને વિકાસનાં ફળ આપી શકી નથી એ પણ કારણ છે. આ પ્રકારની ઘણી ઘટનામાં મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોય છે. આ કારણે પરિવારના લોકોને લાગે છે કે, ઘરની મહિલાના સ્વભાવમાં પરિવર્તન આવી રહ્યું છે કેમ કે તેના પર ડાકણનો ઓછાયો છે. ઘણા કિસ્સામાં પરિવારમાં રહેતા પુરુષ માનસિક રીતે અસ્વસ્થ થાય તો પણ મહિલાને જવાબદાર ગણાવી દેવાય છે.

મૃતાત્માનો ડર

  • આદિવાસી ગામોમાં લોકોને મૃતાત્માનો ખૂબ ભય
  • ભુવા પિતૃઓ સાથે સંપર્ક કરાવી શકે એવી માન્યતા
  • અંધશ્રદ્ધાનો લાભ લઈને ભુવા દ્વારા મહિલાઓનું શોષણ
  • વિધવા સ્ત્રીઓ તેમનો સૌથી પહેલો શિકાર બને
  • વિધવાઓ વિશે લોકોના મનમાં પણ સારી છાપ નથી હોતી
  • આ વાતનો ગેરફાયદો ઉઠાવાય
  • પોતાને તાબે ના થનારી સ્ત્રીને ડાકણ ગણાવે છે ભુવા
  • આવી મહિલાઓ પર અત્યાચાર ગુજારાય
  • આદિવાસીઓ માને છે કે પિતૃઓ તેમનામાં ગૂઢ શક્તિઓ સીંચે
  • આ કારણે રોગ, આફત અને મુશ્કેલીઓને પિતૃઓની નાખુશી મનાય
  • કાર્યો સારા થાય તો એને પિતૃઓના આશીર્વાદ મનાય

રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર રહેતા આદિવાસીમાં આ અંધશ્રદ્ધા પ્રબળ છે અને એમાં કાયમ સ્ત્રી સોફ્ટ ટાર્ગેટ હોય છે. એક એવી પણ માન્યતા છે કે, ચોક્કસ કુંડમાં સ્નાન કરાવવાથી ડાકણ જતી રહે છે. રાજ્ય સરકારે આદિવાસીઓની ભાદરવી પૂનમના મેળામાં નિર્વસ્ત્ર સ્નાન પર પ્રતિબંધ મૂક્યો એ પહેલાં શામળાજી પાસે નાગધરો કુંડમાં આ કુપ્રથા ધૂમ ચાલતી. મહિલા પર ડાકણ કે ભૂતનો પડછાયો હોય એવું લાગે એ મહિલાઓને એમના પતિ, ભાઈ અથવા સાસરીવાળા ભાદરવી પૂનમે વહેલી સવારે લાવી ઠંડા પાણીમાં પુરુષોની હાજરીમાં ફરજિયાત નિર્વસ્ત્ર સ્નાન કરાવતાં હતાં. સ્ત્રીઓ પર આ પ્રકારે થતાં અત્યાચારને કેટલાક વર્ષોથી સરકારે બંધ કરાવ્યો છે. જોકે, સ્ત્રીને ડાકણમાં ખપાવી પરેશાન કરવાનાં કિસ્સા સાવ બંધ થયા નથી. અલબત્ત પ્રોજેક્ટ દેવીથી એક શરૂઆત થઈ છે. ગુજરાતમાં આદિવાસી વસતી નોંધપાત્ર છે. ગુજરાત સરકારના પ્રોજેક્ટ દેવીની શરૂઆત ડાંગ જિલ્લામાં કરવામાં આવી હતી પણ આ પ્રોજેક્ટ દેવી સમગ્ર રાજ્યના તમામ આદિવાસી પ્રદેશોને આવરી લે છે.

ગુજરાતમાં આદિવાસી વિસ્તારો

  • રાજ્યના 14 પૂર્વીય જિલ્લાઓમાં 48 તાલુકા
  • 5,884 થી વધુ ગામોના 18 ટકા વિસ્તારમાં નોંધપાત્ર આદિવાસીઓ
  • ગુજરાતની કુલ વસતીમાં 15 ટકાથી વધારે આદિવાસીઓ

આ કુપ્રથા બહુ મોટા વર્ગને અસર કરે છે તેથી તેની અવગણના કરી શકાય તેમ નથી. આદિવાસી કલ્યાણ માટે સમર્પિત વિભાગો દ્વારા નોંધપાત્ર આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં પોલીસ વડાને ડાકણ કુપ્રથાના પીડિતોને ઓળખવા અને આદિવાસી સમુદાયો સાથે રચનાત્મક સંવાદ કરવા સૂચના આપવામાં આવી જ છે. અમુક આદિવાસી વિસ્તારોમાં અસંખ્ય મહિલાઓ અદ્રશ્ય થઈ ગઈ હોવાના અહેવાલો મળ્યા છે. દાહોદ, મહિસાગર, પંચમહાલ, તાપી, અરવલ્લી અને છોટા ઉદેપુર જેવા જિલ્લાના એસપીને આવા બનાવોને બહાર લાવવા માટે દૂરનાં ગામડાંમાં વ્યાપક સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ સંજોગોમાં રાજ્યના બીજા આદિવાસી વિસ્તારોમાં પણ પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને ડાંગ પોલીસની જેમ વર્તે તો આ દૂષણને નાથવું શક્ય છે જ.
સવાલ માત્ર ઈચ્છાશક્તિનો છે.