રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં ગાંધીનગરની NFSUમાં પદવીદાનનું આયોજન

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધીનગર સ્થિત NFSU ત્રીજા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, સંવેદનશીલ ન્યાયપ્રણાલી પર આધારિત વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ પ્રતિબદ્ધ બનીએ. આ પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે વિવિધ અભ્યાસક્રમોના કુલ 1592 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 12 વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ઓફ ફિલોસોફી, એક વિદ્યાર્થીને ડોક્ટરેટ ઓફ લોની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ હસ્તે સુવર્ણ ચંદ્રક પણ એનાયત કરાયા હતા. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
આજે વિશ્વભરમાં ફોરેન્સિક સાયન્સનું મહત્વ વધી રહ્યું છે. ત્યારે દુનિયાના શ્રેષ્ઠ એવા આ વિશ્વવિદ્યાલયમાંથી આજે 15 દેશોના લગભગ 70થી વધુ વિદ્યાર્થીઓએ પણ પદવી પ્રાપ્ત કરી છે. એટલું જ નહીં, આ યુનિવર્સિટીમાં સિવિલ સર્વિસિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ, ફાયનાન્સ, બેન્કિંગ, ન્યાયપાલિકા સહિત મહત્વના ક્ષેત્રોના 30000 જેટલા ઓફિસર્સને પણ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હોવાનું રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. અપરાધીઓનું નિયંત્રણ તેમજ છેવાડાના નાગરિકોને ઝડપી અને સુલભ ન્યાય મળે તે માટે ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની ભૂમિકા મહત્વની છે. દેશમાં ફોરેન્સિક સાયન્સિસ આધારિત ઇકોસિસ્ટમ સુદૃઢ કરવા મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે. આ માટે ગૃહ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય અને ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને રાષ્ટ્રપતિ અભિનંદન પાઠવ્યા હતા.
રાષ્ટ્રપતિએ વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી ઝડપી અને સુલભ ન્યાય પ્રક્રિયા માટે પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને જ્ઞાનનો સુચારૂં ઉપયોગ કરવા આહ્વાન કર્યું. નિષ્પક્ષ અને ત્વરિત ન્યાય આપનું લક્ષ્ય હોવું જોઈએ, તેમ તેમણે જણાવ્યું હતું. રાષ્ટ્રપતિએ જુલાઈ, 2024નો દિવસ ભારતના ઇતિહાસનો અતિમહત્વપૂર્ણ દિવસ છે, તેમ જણાવી ઉમેર્યું હતું કે, આ દિવસે દંડને બદલે ન્યાય આધારિત ત્રણ નવા કાયદા અમલમાં આવ્યા હતા. જેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય ન્યાય સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023નો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે, જે અપરાધમાં દંડની સમયાવધિ સાત વર્ષ કે તેથી વધુ હોય, તેવા કિસ્સામાં ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ગુનાની તપાસ ફરજિયાત કરવાના કારણે આ ક્ષેત્રના તજજ્ઞોની તાતી જરૂરિયાત ઊભી થશે. આ જરૂરિયાત રાષ્ટ્રીય ન્યાયાલયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય-ગાંધીનગર પૂર્ણ કરશે. અપરાધો પર નિયંત્રણ, અપરાધીઓમાં સજાનો ભય તેમજ નાગરિકોને ત્વરિત ન્યાય મળવાનો વિશ્વાસ હોય એ જ સુશાસનની સાચી ઓળખ છે. આપણે વારસા અને વિકાસને જોડીને વિકસિત ભારતનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ યત્કિંચિત યોગદાન આપશે. તેમણે પદવી પ્રાપ્ત કરનાર સફળ વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીનીઓની વધુ સંખ્યા માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપતિએ ન્યાય પ્રક્રિયામાં વિલંબના અનેક કારણોમાં વિશ્લેષણ અને પરીક્ષણ ઝડપથી નહીં થવાનું એક કારણ પણ મહત્વનું ગણાવ્યું હતું. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના માધ્યમથી આ પ્રક્રિયા ઝડપી બનશે. તેમણે અપરાધીઓની નવી-નવી તકનીક સામે વધુ ક્ષમતા સાથે સજ્જ થવા સૌને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આવી સજ્જતાથી જ અપરાધીઓ અપરાધ કરતા ડરશે. એટલું જ નહીં, ન્યાય પ્રક્રિયા પણ વધુ ઝડપી બનશે. રાષ્ટ્રપતિએ આ અવસરે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મંગળ શુભકામનાઓ પાઠવી હતી.
આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે, હંમેશા સત્યનું આચરણ કરો, ધર્મનું પાલન કરો અને જે જ્ઞાન તમે આ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું છે, તેને જીવનભર વધારતા રહો. ડિગ્રી મળી ગયા બાદ શિક્ષણ પૂર્ણ થયું એમ ન માનવું. જેમ ખેડૂત ક્યારેય ખેતરમાં જવાનું છોડતો નથી, તેમ જ વિદ્યાર્થીએ પણ અભ્યાસ અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છોડવું ન જોઈએ. સ્વાધ્યાય અને જ્ઞાનનું પ્રસારણ કરીને માનવતા અને સમાજના કલ્યાણ માટે જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાનું લક્ષ્ય માત્ર વ્યક્તિગત લાભ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે હોવું જોઈએ. જેમ વાદળ સમુદ્રના ખારા પાણીને લઈને તેને મીઠા જળ તરીકે ત્યાં વરસાવે છે જ્યાં તેની જરૂરિયાત હોય છે, તેમ જ વિદ્યાર્થીઓનું કર્તવ્ય છે કે, તેઓ પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજના હિત માટે કરે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં આ યુનિવર્સિટીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. એટલું જ નહીં, યુનિવર્સિટીની લોકપ્રિયતા અને ઉપયોગીતા દિવસેને દિવસે વધતી રહી છે. દેશના અન્ય રાજ્યો અને યુગાન્ડામાં યુનિવર્સિટીના પરિસર કાર્યરત છે. આ ઉપરાંત 147 જેટલા MOUs પણ અન્ય રાજ્ય સરકારોએ આ યુનિવર્સિટી સાથે કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પોલીસ, ફોરેન્સિક સાયન્સિસ અને જ્યુડિસરી ત્રણેય ન્યાય પ્રણાલીના અભિન્ન અંગ છે. આ માટે ફોરેન્સિક સાયન્સ સેક્ટરના દિક્ષિત યુવા છાત્રો પાસે અમૃતકાળમાં રાષ્ટ્ર સેવામાં યોગદાન આપવાના અસીમ અવસરો છે.