March 26, 2025

પ્રયાગરાજ-મિર્જાપુર હાઈવે પર અકસ્માતમાં 10નાં મોત, 19 ઘાયલ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ-મિર્જાપુર હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો અને બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે 19 ઘાયલ થયા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તે બધા છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા. બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન માટે મેળા વિસ્તારમાં આવી રહ્યા હતા.

અકસ્માતમાં સંગમમાં સ્નાન કરીને વારાણસી જઈ રહેલી બસમાં મુસાફરી કરી રહેલા 19 શ્રદ્ધાળુઓ પણ ઘાયલ થયા હતા. બધા ઘાયલોને સીએચસી રામનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં મુસાફરી કરી રહેલા બધા શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી છે.