October 5, 2024

પોરબંદરમાં મહિલાની હત્યા, પોલીસે પતિ-સાસુની ધરપકડ કરી

porbandar wife murder police arrested husband and mother in law

સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદરઃ શહેરના કર્લી પુલ નજીક રહેતી મહિલાને પતિ અને સાસુએ મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદમાં મૃતદેહને છુપાવવાના પ્રયાસ કર્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે મહિલાના પૂર્વ પતિએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે.

પોરબંદરમાં સંગીતા નામની મહિલાને સાજન કાલુભાઇ ડાભી સાથે આંખ મળી જતા સંગીતાએ પતિ રાજુને મૂકીને સાજન સાથે હારતોરા કરી પતિ માની લીધો હતો. સાજણ સાથે સંગીતા કર્લીના પુલ પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેવા લાગી હતી. ગત સોમવારે વહેલી સવારે સાજન, તેની માતા, બહેન રેખા અને બનેવી લખન ટ્રેકટર મારફત સંગીતાની અંતિમ વિધિ માટે સ્મશાન તરફથી નીકળ્યા હતા. ત્યારે ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતો પૂર્વ પતિ રાજુ તેને જોઈ ગયો હતો અને તે દરમિયા રાજુને કર્લી ઝૂંપડપટ્ટીમાં રહેતો સબંધી મંગલભાઈનો ફોન આવ્યો હતો અને સંગીતાની હત્યા થઈ છે અને હત્યા તેના પતિ અને સાસુએ કરી હોવાનું જણાવ્યું હતું. જેથી રાજુએ આ અંગે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ચોપાટી નજીકથી ટ્રેકટરને આંતરીને મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે તપાસ દરમિયાન સંગીતાની હત્યા થઈ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. સંગીતાને શરીરમાં મલ્ટીપલ ફેક્ચર કરી ક્રૂરતાપૂર્વક માર મારી ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ અંગે સંગીતાનો પૂર્વ પતિ રાજુ ગાયકવાડે પોલીસમાં ફરિયાદી બની હત્યા કરનાર સાજન અને તેની માતા ફુલીયાબેન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સાજન અને તેની માતા ફુલીયાબેનની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.