December 11, 2024

પોરબંદરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઘેડ પંથક પાણીમાં ગરકાવ

પોરબંદરઃ મેઘરાજાની તોફાની બેટિંગે સમગ્ર જિલ્લાને ધમરોળી નાંખ્યો છે. ઘેડ પંથકના તમામ ગામ પાણીમાં ગરકાવ થયા છે. ઘેડ વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યાં છે. મિત્રાળા, દેરોદર, એરડા, ભડ , લુશાળા ગામમાં વરસાદી પાણી ભરાયાં છે. આ ઉપરાંત ભોગશર, છત્રાવા, ગરેજ સહિતના ગામોમાં વરસાદી પાણી ભરાયા છે.

આણંદના 200 ગામ પાણીમાં ગરકાવ
આણંદ જિલ્લામાં સતત વરસાદી માહોલથી જનજીવન અસરગ્રસ્ત થઈ ગયું છે. સતત વરસાદને પગલે જિલ્લાના 400 ઉપરાંત તળાવો ઓવરફ્લો થઈ ગયા છે. તળાવ ઓવરફ્લો થતાં 200 જેટલા ગામો જળમગ્ન બન્યાં છે. તળાવનાં પાણી ગામોમાં ફરી વળતાં લોકોની મુશ્કેલીઓ વધી છે.

સુરેન્દ્રનગમાં આધેડ તણાયા
ધ્રાંગધ્રાના કોઢ ગામના એક આધેડ ડૂબ્યાનાં સમાચારથી ઘટનાસ્થળે ટોળા ઉમટી પડ્યા હતા. ધ્રાંગધ્રાનાં કોઢ ગામની પાછળ આવેલા વોકળાની સીમમાં જવાના રસ્તે તણાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનાં જવાનોએ શોધખોળ હાથ ધરી છે. કોઢ ગામના મેરાભાઈ દાનાભાઈ વિઠલાપરા ઉ.વ 55 વોકળામાં તણાયા હોવાની માહિતી સામે આવી છે. તંત્ર દ્વારા પાણીમાં તરવૈયા ઉતારી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ધ્રાંગધ્રાના કોઢ ગામે આધેડ વોકળામાં તણાયા, તંત્રએ શોધખોળ કરવા તરવૈયા ઉતાર્યા

વડોદરામાં 13 સભ્યોનું દિલધડક રેસ્ક્યૂ
વડોદરા શહેરમાં ખાસવાડી નજીક પરિવારનું રેસ્ક્યૂ કર્યું છે. પરિવારના 13 સભ્યોનું NDRFએ રેસ્ક્યૂ કર્યું છે. NDRF દ્વારા મોડી રાત્રે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરિવાર પાણીથી બચવા છાપરાં પર બેસ્યો હતો. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ત્યારે નદીકાંઠે આવેલા તમામ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેને કારણે અનેક લોકોના મકાન હાલ પણ પાણીમાં છે.

આ પણ વાંચોઃ વડોદરામાં દિલધડક રેસ્ક્યૂ, 13 સભ્યોને NDRFએ બચાવ્યાં

ખંભાળિયામાં આભ ફાટ્યું
સૌથી વધુ ખંભાળિયામાં પોણા 18 ઈંચ વરસાદ પડ્યો છે. તો જામનગરમાં સવા 15 ઈંચ, જામજોધપુરમાં અને લાલપુરમાં પોણા 13 ઈંચ, રાણાવાવમાં સાડા 11 ઈંચ, કાલાવડમાં 11 ઈંચ, લોધિકામાં સાડા 10 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાણવડમાં સાડા 10 ઈંચ, કોટડા સંઘાણીમાં સવા 10 ઈંચ, કલ્યાણપુરમાં 10 ઈંચ, પોરબંદરમાં પોણા 10 ઈંચ વરસાદ, દ્વારકામાં પોણા 10 ઈંચ, રાજકોટમાં પોણા 10 ઈંચ, ધ્રોલમાં 7 ઈંચ, ધોરાજીમાં 7 ઈંચ, જામકંડોરણામાં પોણા 7 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ગોંડલમાં પોણા 7 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ, જોડીયામાં પોણા 6 ઈંચ, વાંકાનેરમાં પોણા 6 ઈંચ, વિસાવદરમાં સાડા 5 ઈંચ, ટંકારા અને વંથલમાં સવા 5 ઈંચ, માણાવદરમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.