PM મોદીએ કેન્દ્રીય મંત્રીઓ સાથે ‘The Sabarmati Report’ નિહાળી, વિક્રાંત મેસીએ ખુશી વ્યક્ત કરી
The Sabarmati Report: અભિનેતા વિક્રાંત મેસી આજે ચર્ચામાં છે. તેણે નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. 37 વર્ષના વિક્રાંતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે હવે તેમના ઘરે પરત ફરવાનો સમય આવી ગયો છે. તેણે એમ પણ લખ્યું કે 2025માં આવનારી બે ફિલ્મો તેની છેલ્લી હશે.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi leaves from Balyogi Auditorium in Parliament after watching the film 'The Sabarmati Report'. pic.twitter.com/oAxQq4FK3G
— ANI (@ANI) December 2, 2024
વિક્રાંત મેસીએ ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહેવાનો નિર્ણય લીધો હોય, પરંતુ તેની નવી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ હજુ પણ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવી રહી છે. 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને પ્રેક્ષકો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા મળી છે. 21 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌના ફોનિક્સ પેલેસિયો મોલમાં તેમના કેબિનેટ અને વહીવટી અધિકારીઓ સાથે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોઈ હતી.
Joined fellow NDA MPs at a screening of 'The Sabarmati Report.'
I commend the makers of the film for their effort. pic.twitter.com/uKGLpGFDMA
— Narendra Modi (@narendramodi) December 2, 2024
વડાપ્રધાન મોદીએ વિક્રાંતની ફિલ્મ નિહાળી
આજે 2 ડિસેમ્બર, સોમવારની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ નિહાળી હતી. સંસદમાં સાંજે 4 વાગે આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમની સાથે એનડીએના સભ્યોએ પણ સંસદ ભવનની લાઇબ્રેરી બિલ્ડિંગમાં આ ફિલ્મ જોઈ હતી. આ સિવાય ફિલ્મની ટીમમાંથી નિર્માતા એકતા કપૂર, નિર્દેશક ધીરજ સરના, અભિનેતા વિક્રાંત મેસી, રિદ્ધિ ડોગરા, રાશિ ખન્ના પણ અહીં હાજર હતા. એકતાના પિતા અને સિનિયર એક્ટર જિતેન્દ્ર પણ સ્ક્રીનિંગ માટે દિલ્હી આવ્યા હતા.
વિક્રાંત મોદી સાથે ફિલ્મ જોઈને ખુશ થયા
સ્ક્રીનિંગ બાદ અભિનેતા વિક્રાંત મેસીએ પણ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન સાથે ફિલ્મ જોવાની તક મળવી એ તેમના જીવનનો હાઇએસ્ટ પોઇન્ટ છે. તેણે કહ્યું કે તે નર્વસ છે અને તેથી પોતાની લાગણીઓને શબ્દોમાં ખુલ્લી રીતે વ્યક્ત કરી શકતો નથી. વડાપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો સાથે ફિલ્મ જોયા બાદ વિક્રાંતના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. જો કે, અહીં તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી નિવૃત્તિ પર પૂછવામાં આવેલા પ્રશ્નોની અવગણના કરી.