November 2, 2024

લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પીએમ મોદી આંધ્રમાં ગર્જ્યા

PM Modi In Andhra Pradesh: ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ પીએમ મોદીએ આંધ્રપ્રદેશના પલનાડુમાં એનડીએ ગઠબંધનની પ્રથમ રેલીમાં ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે આ રેલીમાં પીએમ મોદીની સાથે એનડીએના ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ અને જનસેના પાર્ટીના ચીફ પવન કલ્યાણ પણ હાજર હતા. રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

ત્રીજા કાર્યકાળમાં લેવાશે મોટા નિર્ણયો: PM મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધિત કરતા કહ્યું કે ત્રીજા કાર્યકાળમાં મોટા નિર્ણયો લેવામાં આવશે. વિકસિત ભારત માટે આ વખતે 400ને પાર કરશે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ‘આંધ્રપ્રદેશને શિક્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે.’

કોંગ્રેસ પર નિશાન સાધ્યું
પીએમ મોદીએ કહ્યું કે એનડીએમાં અમે બધાને સાથે લઈએ છીએ, પરંતુ બીજી બાજુ કોંગ્રેસનો એક જ એજન્ડા છે, ‘ગઠબંધનના લોકોનો ઉપયોગ કરો અને તેમને ફેંકી દો.’ વધુમાં પીએમ મોદીએ કહ્યું કે આજે કોંગ્રેસે ભલે INDIA ગઠબંધન કર્યું હોય, પરંતુ તેમની વિચારસરણી એ જ છે.

NDAની તાકાત વધી રહી છે: PM મોદી
રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે દેશ કહી રહ્યો છે કે ‘આ વખતે અમે 400 પાર કરીશું’. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં અમારા સહયોગીઓ સતત વધી રહ્યા છે. એનડીએની તાકાત વધી રહી છે. ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ લાંબા સમયથી તમારા અધિકારો અને આંધ્ર પ્રદેશના વિકાસ માટે સતત કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે એનડીએનું લક્ષ્ય વિકસિત ભારત માટે વિકસિત આંધ્ર પ્રદેશનું નિર્માણ કરવાનું છે.

આંધ્રને શિક્ષણનું કેન્દ્ર બનાવીશું: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આંધ્રપ્રદેશમાં કેન્દ્ર સરકારની યોજનાઓને વધુ સારી રીતે લાગુ કરવા માટે જનતાએ એનડીએના સાંસદો અને ધારાસભ્યોને જીતવા પડશે. એનડીએના તમામ સાંસદો અને ધારાસભ્યો જનતા માટે ખૂબ જ મહેનત કરશે. તેમણે કહ્યું કે આંધ્રને શિક્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે. આ મોદીની ગેરંટી છે.

આંધ્ર પ્રદેશ ડ્રગ્સનો અડ્ડો બની ગયો છે: પવન કલ્યાણ
આ પહેલા જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે દાવો કર્યો હતો કે ‘2024માં પણ NDA સરકાર બનાવશે.’ તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. પવન કલ્યાણે YSR કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે જગન મોહન રેડ્ડીએ આંધ્રપ્રદેશને દારૂ અને ડ્રગ્સનો અડ્ડો બનાવી દીધો છે. છેલ્લા 10 વર્ષમાં આંધ્રપ્રદેશમાં NDAની આ પહેલી સંયુક્ત રેલી છે. આંધ્રપ્રદેશમાં 13 મેના રોજ એક જ તબક્કામાં લોકસભા અને તમામ વિધાનસભા સીટો માટે ચૂંટણી યોજાશે.