October 13, 2024

PM Cares: કોરોનાને કારણે અનાથ થયેલ બાળકોની મદદ માટેની મોટાભાગની અરજીઓ ફગાવાઈ

PM Cares: કોરોના કાળ દરમિયાન અનેક એવા બાળકો હતા જેમણે કોરોના મહામારીને કારણે પોતાના માતાપિતા બંનેને ગુમાવી દીધા હતા. આવા બાળકોની મદદ માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘PM Cares For Children Scheme’ની શરૂઆત કરવામાં આવી હતી. જોકે, હવે અધિકારીઓએ કહેવું છે કે આ યોજના હેઠળ મળેલ અરજીઓ માંથી 51 ટકા અરજીઓ ફગાવી દેવામાં આવી છે.

યોજના હેઠળ કયા બાળકોને મળી મદદ?
પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ (PMCCS)ની જાહેરાત પીએમ મોદી દ્વારા સૌથી પહેલા 29મી મે 2021ના રોજ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ તે બાળકોને મદદ કરવાનો ઉદ્દેશ્ય હતો જેમના માતાપિતા બંને અથવા કાનૂની માતાપિતાના કોરોના મહામારીને કારણે મોત થયું હોય. મોદી સરકારે આ યોજનાના લાભાર્થીઓ નક્કી કરવા માટે જે કટ ઓફ ડેટ નક્કી કરી છે તે 11 માર્ચ 2020થી 29 મે 2023 સુધીની છે. એટલે કે આ તારીખો દરમિયાન જે બાળકોએ પોતાના માતાપિતા કોરોના મહામારીને કારણે ગુમાવ્યા હતા તેમને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ મળવા પાત્ર તમામ મદદ આપવામાં આવશે.

9000 કરતાં વધુ અરજીઓ મળી હતી.
અધિકારીઓએ જણાવ્યું છે કે આ યોજના હેઠળ દેશના 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 613 જિલ્લાઓ માંથી કુલ 9331 અરજીઓ મળી હતી.

આટલા બાળકોની અરજીઓ ફગાવી દેવાઈ
મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ, 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 558 જિલ્લા માંથી મળેલ માત્ર 4532 અરજીઓ સ્વીકાર કરવામાં આવી છે. જ્યારે 4781 અરજીઓ રદ્દ કરી દેવામાં આવી છે. તો 18 જેટલી અરજીઓ હાલ પેન્ડિંગ છે. જોકે, સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મંત્રાલય તરફથી અરજીઓ રદ્દ કરવા પાછળ કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી.

આ રાજ્યોમાંથી કરવામાં આવી હતી સૌથી વધુ અરજીઓ
જે રાજ્યોમાંથી સૌથી વધુ અરજીઓ મળી છે તેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. રાજસ્થાનથી 1,553 અરજીઓ મળી છે. જ્યારે મહારાષ્ટ્રથી 1,511 અરજીઓ અને ઉત્તર પ્રદેશથી 1,007 અરજીઓ મળી હતી. મહારાષ્ટ્રમાંથી 855 અરજીઓ સ્વીકારવામાં આવી છે. તો, રાજસ્થાનથી 210 અને ઉત્તર પ્રદેશથી 467 અરજીઓ સ્વીકારવામાં આવી હતી.

શું છે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ?
મહત્વનું છે કે, આ યોજનાનો હેતુ બાળકોની સતત વ્યાપક દેખભાળ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો, આરોગ્ય વીમા દ્વારા તેમના આરોગ્યની કાળજી લેવી, શિક્ષણના માધ્યમથી તેમને સશક્ત કરવા અને 23 વર્ષની ઉંમર સુધી નાણાકીય સહાય પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. બાળકોના રજીસ્ટ્રેશન માટે કેન્દ્ર સરકાર દ્વારા pmcaresforchildren.in પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ જ પોર્ટલ પરથી બાળકોને મળતી તમામ મદદનો હિસાબ પણ જોઈ શકાતો.

અહી ક્લિક કરો અને ન્યૂઝ કેપિટલની મોબાઈલ એપ ડાઉનલોડ કરો