December 3, 2024

જ્યાં મૂર્તિઓ હતી ત્યાં જ પુનઃ સ્થાપિત કરવામાં આવશેઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ તોડવા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, ‘મુખ્યમંત્રી જોડે ચર્ચા કર્યા બાદ કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે, નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વરસોવરસથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની પરવાનગી હોઈ જ ન શકે. જે દાદર પાસે મૂર્તિઓ હતી ત્યાં તેને ફરીથી સ્થાપિત કરવામાં આવે. સમાજના હજારો લોકોની આસ્થાને ક્યાંકને ક્યાંક ઠેસ પહોંચી છે. ત્યાં તાત્કાલિક કલેક્ટર, એસપી, જૈન સમાજ અને બીજા ટ્રસ્ટની બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક પ્રતિમાઓ ફરીથી સ્થાપિત કરવાની સૂચના આપવામાં આવી છે.’

શું છે સમગ્ર મામલો?
ગઈકાલે પાવાગઢ પર્વત પર જૂની સીડીને તોડતા વખતે ત્યાં કેટલીક જૈન તીર્થંકરોની મૂર્તિઓ હટાવવામાં આવી હતી. ત્યારે આ મામલે જૈન સમાજમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ સુરતના જૈન સમાજે કલેક્ટર કચેરીએ ધરણાં શરૂ કરી દીધા હતા. ગઈકાલે મોડી રાતથી જ સુરતની કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ભેગા થયા હતા અને આ મામલે ઉગ્ર આંદોલનની શરૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ પાવાગઢમાં જૈન મૂર્તિઓ ખંડિત કરવા મામલે રોષ, યોગ્ય કાર્યવાહી કરવાની માગ

જૈન સમાજના લોકો કલેક્ટર કચેરીએ એકઠાં થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જૈન સાધુઓએ પણ સાથે કલેક્ટર કચેરીએ હાજર રહીને રજૂઆત કરી હતી. આ ઉપરાંત યોગ્ય કાર્યવાહી કરવા માટે જૈન સમાજે માગણી કરી છે. જૈન મુનિ જણાવે છે કે, વર્ષોથી એ પ્રતિમા ત્યાં રક્ષાયેલી હતી. તેની સાથે અમારી લાગણી જોડાયેલી છે. અને હવે અમે માગણી કરી રહ્યા છીએ કે યોગ્ય કાર્યવાહી થાય. અમને આ ઘટનાથી સખત આઘાત લાગ્યો છે.

જૈન સમાજના એક વ્યક્તિ જણાવે છે કે, ‘તીર્થંકરની મૂર્તિઓ ખંડિત કરી છે લાગણી દુભાઈ છે. તાત્કાલિક એ તમામ મૂર્તિઓને ફરીથી પુનઃ સ્થાપિત કરવામાં આવે. જ્યાં સુધી અમારી માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન કરીશું.’ મહત્વનું છે કે, મોટી સંખ્યામાં જૈન મુનિઓ પણ આ આંદોલનમાં જોડાયા છે.