December 5, 2024

પાટણનું એસટી બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયુ, ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ

ભાવેશ ભોજક, પાટણ: છેલ્લા બે દિવસથી પાટણ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે જ્યાં એક તરફ પાટણનું એસટી બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયું છે તો અનેક વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેણે કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાટણ શહેરમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઇ પાટણ એસ.ટી. ડેપો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું છે પાટણના બસ સ્ટેન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાઈ રહેતા મુસાફરો અટવાયા હતા. તો, સાથે જ અપડાઉન કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. અહીંયા એસ.ટી. બસનું આખુ ટાયર પાણીમાં ગરકાવ થઈ જતાં બસ ડેપો જાણે કે કોઈ બેટ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તો આ હંગામી બસ સ્ટેન્ડમાં દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોવાથી મુસાફરોને કાદવ કીચડ તેમજ પાણીમાંથી પસાર થવાનો વારો આવતા ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. તો, બીજી તરફ નવીન બસ સ્ટેન્ડ બનવાની કામગીરી ગોકલગાયની ગતિએ ચાલતી હોવાથી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે, પ્રજાજનો માટે નવીન બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

રામનગર જવાના માર્ગ પર પાણી ભરતા રસ્તો બંધ
પાટણ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે, શહેરમાં આવેલ રામનગર વિસ્તાર પણ બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાટણ નગરપાલિકા દ્વારા થોડા વર્ષો અગાઉ રામનગર ગામને પાટણ શહેરમા સમાવિષ્ઠ કરી આ વિસ્તારના લોકોને સારી સુવિધા પૂરી પાડવા તૈયારી દર્શાવી હતી જોકે સ્થાનિકોનાં મતે અહીંયા સુવિધાનાં નામે મીંડું છે. અહીંયા વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોનાં ઘર સુધી પાણી ભરાઈ રહેવાની સમસ્યા સામે ઝઝૂમવું પડી રહ્યું છે ઘૂંટણ નગરપાલીકા એ વેરા તો ડબલ કર્યા છે પરંતુ આ પ્રકારની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.