હાઇટેક ઠગ ટોળકીના બે ગઠિયા ઝડપાયાં, સિદ્ધપુર પોલીસની કાર્યવાહી

પાટણઃ સિદ્ધપુર પોલીસે હાઇટેક ઠગ ટોળકીના બે ઠગને ઝડપી પાડ્યા છે. આ ગઠિયાઓએ દુર્ગા જ્વેલર્સ સાથે 38,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી. ઠગોએ અન્ય 13 વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે.
મળતી માહિતી પ્રમાણે, માત્ર અઢી માસના સમયગાળામાં 3 ઠગોએ 14 સ્થળોએ છેતરપિંડી આચરી હતી. મોબાઇલ એપ્લિકેશનની મદદથી દુકાનદારોને રૂપિયા જમા થયાનો મેસેજ બતાવતા હતા. બેંકમાંથી આવે તેવો જ મેસેજ ઠગો દુકાનદારોને મોકલીને વિશ્વાસ અપાવતા હતા.
આ ગઠિયાઓએ પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં તરખાટ મચાવ્યો હતો. અલ્પેશજી ઉર્ફે ચોટીયો દિનેશજી ઠાકોર અને નીરજ ચૌધરી નામના આરોપીઓની ધરપકડ કરી હતી.
આ ગેંગનો લાલાજી સેંધાજી ઠાકોર નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. સિદ્ધપુર પોલીસને ગણતરીના કલાકોમાં ઠગોની ટોળકીને પકડવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.