December 11, 2024

બ્રોન્ઝથી ચૂક્યા લક્ષ્ય સેનઃ પહેલી ગેમ જીતી, બીજામાં 8-2થી આગળ, છતાં મલેશિયાની ખેલાડી સામે હાર

અમદાવાદઃ લક્ષ્ય સેનને બ્રોન્ઝ મેડલની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય શટલરે પ્રથમ ગેમ 21-13થી જીતી હતી. આ પછી બીજી ગેમમાં એક તબક્કે લક્ષ્યે 8-2ની સરસાઈથી જીત મેળવી લીધી હતી. જો કે, ત્યારપછી મલેશિયાના ખેલાડીએ જોરદાર વાપસી કરી હતી અને 11-8થી આગળ રહ્યા બાદ બીજી ગેમ 21-16થી જીતી લીધી હતી.

ત્યારપછી લી જિયાએ ત્રીજી અને નિર્ણાયક ગેમમાં સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું હતું અને 21-11થી જીત મેળવી હતી. મેચની સાથે તેણે બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. લક્ષ્યે મેચમાં ઘણી અનફોર્સ્ડ ભૂલો કરી હતી અને મલેશિયાના ખેલાડીને સ્મેશ પછી સ્મેશ ફટકારવાનો મોકો આપ્યો હતો. આ પહેલાં લક્ષ્યને સેમિફાઈનલમાં વિક્ટર એક્સેલસનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પહેલા લક્ષ્યે સતત પાંચ મેચ જીતી હતી. તેણે ગ્રુપ સ્ટેજ દરમિયાન પ્રથમ મેચમાં ગ્વાટેમાલાના કેવિન કોર્ડનને 21-8, 22-20થી હરાવ્યો હતો. જો કે, આ મેચનું પરિણામ કાઢી નાંખવામાં આવ્યું હતું અને મેચને રદ જાહેર કરવામાં આવી હતી. ત્યારપછી લક્ષ્યએ બેલ્જિયમના જુલિયન કારાગીને 21-19, 21-14થી હરાવ્યો હતો. લક્ષ્યે તેની છેલ્લી ગ્રુપ મેચમાં ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને હરાવીને ગ્રુપ સ્ટેજ પર વિજય મેળવ્યો હતો અને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો હતો. ભારતીય શટલરે અપેક્ષાઓ પર ખરા ઉતર્યા અને વિશ્વની ત્રીજા નંબરની ક્રિસ્ટીને 21-18, 21-12થી હરાવ્યા હતા.

રાઉન્ડ ઓફ 16માં લક્ષ્યનો સામનો દેશબંધુ એચએસ પ્રણયનો હતો અને લક્ષ્યે પ્રણયને 21-12, 21-6થી હરાવ્યો હતો. ક્વાર્ટર ફાઈનલમાં લક્ષ્યનો મુકાબલો ચાઈનીઝ તાઈપેઈના ચુ ટીન ચેન સામે થયો હતો. લક્ષ્યને આ મેચમાં સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો અને પ્રથમ વખત લક્ષ્યની કોઈપણ મેચ ત્રીજી ગેમમાં ગઈ હતી. ચુ ટીને પ્રથમ ગેમ 21-19થી જીતી હતી. આ પછી લક્ષ્યે બીજી ગેમ 21-15થી અને ત્રીજી ગેમ 21-12થી જીતી લીધી હતી. લક્ષ્યે આ મેચ જીતીને ઈતિહાસ રચ્યો હતો. બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં સેમિફાઇનલમાં પહોંચનાર તે ભારતનો પ્રથમ ખેલાડી બન્યો. જો કે, સેમિફાઇનલમાં, એક્સેલસેને લક્ષ્યને 22-20, 21-14થી હરાવ્યો હતો.