પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ પહેલા ગ્રેનેડ હુમલો, ત્રણ લોકોનાં મોત
ઇસ્લામાબાદઃ મંગળવારે પાકિસ્તાનના 77મા સ્વતંત્રતા દિવસ પહેલા શંકાસ્પદ આતંકવાદીઓએ દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં ગ્રેનેડ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. આ હુમલો પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ વેચતી દુકાન પર કરવામાં આવ્યો હતો.
અલગતાવાદી બલૂચ લિબરેશન આર્મી જૂથે હુમલાની જવાબદારી લીધી હતી. જૂથે દુકાન માલિકોને ધ્વજ ન વેચવા જણાવ્યું હતું અને લોકોને ચેતવણી પણ આપી હતી કે તેઓ 14 ઓગસ્ટ, બુધવારે રજા ન રાખે. જ્યારે દુકાનદારો રાજી ન થયા તો તેમના પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો. સરકારી હોસ્પિટલના પ્રવક્તા વસીમ બેગે કહ્યુ કે, હુમલા પછી હોસ્પિટલમાં છ ઘાયલ અને ત્રણ લોકોના મૃતદેહ આવ્યા હતા.
સેના પ્રમુખને આતંકવાદને હરાવવાની કસમ ખાધી
અગાઉ પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશના ઉત્તર-પૂર્વમાં એક લશ્કરી એકેડમીમાં આયોજિત એક કાર્યક્રમમાં ટેલિવિઝન ભાષણમાં આતંકવાદને હરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
બે દિવસ પહેલાં પાકિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં જમીન વિવાદને લઈને બે પક્ષો વચ્ચે થયેલી લડાઈ અને ગોળીબારમાં 10 લોકોનાં મોત થયા હતા. પોલીસે લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સુક્કુર શહેરમાં બે પક્ષો વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. રવિવારે તકરાર દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક પક્ષના ચાર લોકોના મોત થયા હતા. જેમાં ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ફાયરિંગમાં બીજી બાજુના એક વ્યક્તિનું પણ મોત થયું હતું. ઘણા લોકો ઘાયલ પણ થયા.