એરપોર્ટ પર PM સાથે જયશંકર-ડોભાલ, પહલગામ આતંકી હુમલાનો હિસાબ થશે

Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્યવાહીમાં છે. તેઓ સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને જેદ્દાહથી દિલ્હી પાછા ફર્યા છે. પીએમ મોદી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ પહોંચ્યા છે. પીએમ મોદી ઉતરતાની સાથે જ ડોભાલ એરપોર્ટ પર તેમની સાથે વાત કરતા જોવા મળ્યા હતા.

મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોનાં મોત થયા છે. પીએમ મોદી ત્યાંની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. પીએમ મોદી હવે ટૂંક સમયમાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે પીએમ મોદી સાઉદી અરેબિયા દ્વારા તેમના સન્માનમાં આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપી ન હતી અને રાત્રે જ ભારત જવા રવાના થઈ ગયા હતા. પીએમ મોદી અગાઉ બુધવારે રાત્રે પાછા ફરવાના હતા. ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, બુધવારે સુરક્ષા બાબતો પર કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. પીએમ મોદી આ બેઠકમાં ભાગ લેશે.

‘પહલગામના હુમલાખોરોને બક્ષવામાં આવશે નહીં’
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યુ છે કે, ‘હું જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જેમણે પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળ જે લોકો છે તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે, તેમને બક્ષવામાં આવશે નહીં.’ તેમનો આતંકવાદી એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો આપણો સંકલ્પ દ્રઢ છે અને તે વધુ મજબૂત બનશે.

આ પહેલાં પીએમ મોદીએ પહલગામ આતંકવાદી હુમલા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી. ભારત સરકારના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પીએમ મોદીએ તેમને કડક કાર્યવાહી કરવા અને સ્થળની મુલાકાત લેવા પણ કહ્યું હતું.

આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, ‘જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી હું દુઃખી છું.’ મારી સંવેદનાઓ મૃતકોના પરિવારના સભ્યો સાથે છે. આ જઘન્ય આતંકવાદી હુમલામાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં અને અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું અને તેમને સૌથી કડક સજા આપીશું.