November 23, 2024

‘એક રાષ્ટ્ર-એક ચૂંટણી’ નો રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપાયો, સંવિધાનમાં સંશોધનની માંગ

One Nation-One Election: વન નેશન- વન ઈલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણીના રિપોર્ટને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપવામાં આવ્યો છે. 18,626 પાનાના આ રિપોર્ટમાં સમિતિએ દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે સંવિધાનમાં સંશોધનની ભલામણ કરી છે. રામનાથ કોંવિંદની અધ્યક્ષતા વાળી આ સમિતિમાં દેશમાં એક સાથે ચૂંટણી કરવા માટે રાષ્ટ્રપતિને સંવિધાનના છેલ્લા પાંચ અનુચ્છેદમાં સંશોધનની ભલામણ કરી છે. મહત્વનું છેકે, આ પાંચ અનુચ્છેદમાં સંસદના સદનના સમય સંબંધિત અનુચ્છેદ 83, લોકસભા વિધટનથી સંબંધિત અનુચ્છેદ 85, રાજ્ય વિધાનમંડળના સમયનો અનુચ્છેદ 172. રાજ્ય વિધાનમંડળના વિઘટન સંબંધિત અનુચ્છેદ 174 અને રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો અનુચ્છેદ 356 છે. આ સમિતિએ 181 દિવસમાં સંશોધન કરી રિપોર્ટ રજૂ કર્યો છે.

મોટા ભાગના પક્ષો એકસાથે ચૂંટણી કરાવવા પર સહમત
કમિટીના રિપોર્ટ અનુસાર મોટા ભાગના રાજકીય પક્ષો લોકસભા, વિધાનસભા અને પંચાયતની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે સહમત થયા છે. એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે સરકાર પડવાની સ્થિતિમાં એક સાથે ચૂંટણી યોજવાની વ્યવસ્થા જાળવી રાખવા માટે સમિતિએ મહત્વપૂર્ણ ભલામણો કરી છે. સમિતિના અહેવાલમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે એક જ મતદાર યાદી જાળવવાની ભલામણનો સમાવેશ થાય છે એટલે કે લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ કરવા માટે એક જ મતદાર યાદી તૈયાર કરવી જોઈએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની સંબંધિત જોગવાઈઓમાં સુધારો કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.

આ સમિતિની રચના ગયા વર્ષે કરવામાં આવી હતી
આ સમિતિની રચના ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. આ સમિતિ રાજકીય પક્ષો, બંધારણીય નિષ્ણાતો, ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરો અને ચૂંટણી પંચ અને અન્ય સંબંધિત હિતધારકો સાથે તેમના મંતવ્યો એકત્ર કરવા અને આ બાબતે ઊંડાણપૂર્વકની માહિતી એકત્રિત કરવા માટે પરામર્શ કરી રહી હતી. સમિતિના આદેશમાં શાસન, વહીવટ, રાજકીય સ્થિરતા, ખર્ચ અને મતદારોની ભાગીદારી, અન્ય પાસાઓ પર ચૂંટણીની સંભવિત અસરની તપાસનો સમાવેશ થાય છે.

રામનાથ કોવિંદે રાજકીય પક્ષોને આ અપીલ કરી છે
એક સંસદીય સ્થાયી સમિતિ, નીતિ આયોગ અને કાયદા પંચે એક પછી એક ચૂંટણી યોજવાના વધતા ખર્ચ પર ચિંતા વ્યક્ત કરીને એક સાથે ચૂંટણીના મુદ્દા પર વિચારણા કરી છે. કોવિંદ પહેલાથી જ સંસદીય અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાની તરફેણમાં છે અને તેમણે તમામ રાજકીય પક્ષોને રાષ્ટ્રીય હિતમાં આ વિચારને સમર્થન આપવા અપીલ પણ કરી છે. ગત વર્ષે નવેમ્બરમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, કેન્દ્રમાં સત્તામાં રહેલી કોઈપણ પાર્ટીને “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” થી ફાયદો થશે અને ચૂંટણી ખર્ચમાં બચેલા નાણાંનો ઉપયોગ વિકાસ માટે કરી શકાય છે.

નોંધનીય છેકે, ભાજપના 2014 અને 2019ના ઢંઢેરામાં દેશભરમાં એકસાથે ચૂંટણી યોજવાની હિમાયત કરવામાં આવી હતી, પરંતુ તેનો અમલ કરવા માટે બંધારણની ઓછામાં ઓછી પાંચ કલમો અને જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં ફેરફાર કરવો પડશે.