રક્ષાબંધન નિમિત્તે શામળિયાના દર્શને ઉમટ્યા લાખો ભક્તો
સંકેત પટેલ, અરવલ્લી: આજે શ્રાવણ સુદ પૂર્ણિમા અને રક્ષા બંધનના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભાઈ અને બહેનના આ પવિત્ર તહેવાર નિમિત્તે ભક્તો પોતાના આરાધ્ય દેવ માટે પણ રક્ષા લઇ આવ્યા હતા અને શામળાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ વહેલી સવાર થી આવી ભગવાનના દર્શન માટે લાઈનોમાં જોડાયા હતા.
જોકે આજે રાખડી બાંધવાનું મુહૂર્ત બપોર બાદ હોવાને પગલે ભક્તો દ્વારા અર્પણ કરાયેલી રાખડી 2 વાગ્યા બાદ ભગવાનને મંદિરના મુખ્યાજી અને પૂજારી દ્વારા બાંધવામાં આવનાર છે.બીજી તરફ આ પાવન અવસરે ભગવાનના નિજ મંદિરને ફૂલોથી તેમજ ભગવાન કાળીયા ઠાકોરને વિશેષ શણગાર કરાયા હતા ત્યારે દિવસ દરમિયાન આજે હજારો ભક્તો ભગવાનના દર્શન કરી ધન્ય બનવાની સાથે ભગવાન શામળાજી પણ ભક્તોની લાવેલી રક્ષાના તાંતણે બંધાયા હતા.